આચારસંહિતાના ઉલ્લંઘનની ફરિયાદોના નિવારણનું અસરકારક માધ્યમ બની c-vigil મોબાઈલ એપ્લિકેશન અને પોર્ટલ

દેશભરમાં આયોજિત થનાર લોકસભા સાન્ય ચૂંટણી અન્વયે નિષ્પક્ષ મતદાન થાય તથા તમામ નાગરિકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે રાજ્ય ચૂંટણીપંચના દિશાનિર્દેશ અનુસાર જિલ્લા ચૂંટણી તંત્ર સુસજ્જ છે. મતદારો અને જાગૃત નાગરિકોને વિવિધ એપ્લિકેશન અને વેબ પોર્ટલના માધ્યમથી અલગ અલગ પ્રકારની સુવિધા આપવામાં આવી રહી છે.

C-Vigil મોબાઈલ એપ્લિકેશન અને પોર્ટલ પણ આવી જ એક સુવિધા છે. આ બંને માધ્યમો દ્વારા કોઈપણ જાગૃત નાગરિક તેમના ધ્યાને આવતા આચારસંહિતા ઉલ્લંઘનના કિસ્સાને ચૂંટણી વહીવટી તંત્ર સુધી મોકલી શકે છે. C-vigil મોબાઈલ એપ્લિકેશન અને પોર્ટલના માધ્યમથી નાગરિકો આચારસંહિતા ઉલ્લંઘનના ફોટોગ્રાફ અને લોકેશન સહિતની જાણકારી ઓનલાઈન મોકલી શકે છે. જે મળ્યા બાદથી ૧૦૦ મિનિટમાં આ ફરિયાદનું નિવારણ લાવવા માટે તંત્ર કાર્યરત થઈ જાય છે.

આચારસંહિતા લાગુ થયા બાદથી એટલે કે તા.૧૬થી ૨૫ માર્ચ દરમિયાન મોબાઈલ એપ્લિકેશન અને વેબપોર્ટલના માધ્યમથી અમદાવાદમાં આવી કુલ બાવન ફરિયાદ નોંધાઇ છે. જેમાંથી કુલ ૪૭ નિકાલપાત્ર ફરિયાદોમાંથી મોટાભાગની ફરિયાદોનો નિકાલ ૧૦૦ મિનિટની સમયાવધિમાં કરાયો છે.

આમ, ટેકનોલોજીના યથાર્થ ઉપયોગ થકી નિષ્પક્ષ અને તટસ્થ લોકસભા ચૂંટણી માટે C-vigil મોબાઈલ એપ્લિકેશન અને પોર્ટલ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહ્યા છે.

 

error: Content is protected !!