મધ્યપ્રદેશના ઉજજૈન જિલ્લામાં ગુરુવારે સવારે ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને કેટલાક લોકો દ્વારા તોડી પાડવામાં આવ્યા બાદ બે સમુદાયના સભ્યો વચ્ચે અથડામણ થઈ હતી અને બંને તરફથી એકબીજા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.
આ ઘટના ઉજજૈનથી લગભગ ૫૦ કિમી દૂર સ્થિત મકડોન વિસ્તાર બની હતી. જેને કારણે સમગ્ર વિસ્તારમાં તણાવ વધી ગયો છે અને પ્રસાશને કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. આ ઘટનાનો વીડિયો પણ મળ્યો છે જેમાં એક શખ્સ ટ્રેક્ટર વડે સરદાર પટેલની મૂર્તિને ટક્કર મારીને નીચે પાડી દે છે ત્યાર બાદ, મહિલાઓ સહિત ટોળામાં હાજર લોકો મૂર્તિ પર પથ્થર ફેંકે છે.
ઘટનાની માહિતી મુજબ પાટીદાર સમુદાયે ચોક પર બુધવારે સરદાર પટેલની મૂર્તિ સ્થાપિત કરી હતી. ત્યાર બાદ આજે ગુરુવારે સવારે કેટલાક લોકોએ ટ્રેક્ટરની મદદથી મૂર્તિને નીચે પડી દીધી હતી, ત્યારબાદ બંને સમુદાયો વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસે જણાવ્યું હતું કે લોકો ડો. ભીમ રાવ આંબેડકરની પ્રતિમા સ્થાપિત કરવા ઈચ્છતા હતા અને સ્થાનિક પંચાયત તેના પર વિચાર પણ કરી રહી હતી. એ પહેલા સરદાર પટેલની મૂર્તિ સ્થાપી દેવામાં આવી હતી. ઉજજૈન જીલ્લાના વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું, મૂર્તિની સ્થાપનાને બાબતે બંને પક્ષ વચ્ચે વિવાદ થયો હતો, ત્યાર બાદ પથ્થરમારાની સ્થિતિ સર્જાઈ હતી.
પોલીસ દળોએ કાર્યવાહી કરી સ્થિતિ કાબૂમાં લીધી હતી. હાલ બજારો ખૂલી ગયા છે અને ટ્રાફિક સામાન્ય છે. પોલીસ હાલમાં ફ્લેગ માર્ચ કરી રહી છે. હાલ છ લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે, જેમાં વીડિયોમાં જે ટ્રેક્ટર દેખાઈ છે તેના માલિકનો પણ સમાવેશ થાય છે. કાયદો પોતાના હાથમાં લેનારાઓ સામે અમે શક્ય તેટલી કડક કાર્યવાહી કરીશું. પોલીસ અધિકારીએ જણવ્યું કે, અમે આ ઘટનામાં સામેલ સંગઠનોની તપાસ કરી રહ્યા છીએ. તપાસ ચાલુ છે. વીડિયોમાં દેખાતી મહિલાઓની અટકાયત કરવામાં આવી નથી.