રામમંદિરના ઉદ્ઘાટન દરમિયાન પીએમ મોદીએ મંદિરના નિર્માણકાર્ય પાછળ આકરી મહેનત કરનારા શ્રમિકો સાથે પણ મુલાકાત કરી હતી. તેમણે શ્રમિકો પર પુષ્પવર્ષા કરી અને આ દ્વારા તેમનું સન્માન કરી રામમંદિરના ભવ્ય નિર્માણકાર્યમાં યોગદાન આપવા બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.
એ પછી તેમણે રામ મંદિર પરિસરમાં જટાયુની મૂર્તિ પર પર પુષ્પવર્ષા કરી હતી અને અયોધ્યા ધામમાં ભગવાન શિવની પૂજા પણ કરી હતી. ત્યારપછી તેમણે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા મહેમાનો સાથે મુલાકાત પણ કરી હતી અને હાજર રહેવા બદલ તેમનો આભાર માન્યો હતો. તેઓ પ્રખ્યાત અભિનેતા અમિતાભ બચ્ચન તથા મશહૂર બિઝનેસમેન મુકેશ અંબાણી સાથે પણ વાતચીત કરતા જોવા મળ્યા હતા.
પીએમ મોદીએ તેમના સંબોધનમાં ત્રેતા યુગનો ઉલ્લેખ કર્યો હતો, તેમણે જણાવ્યું હતું કે “ત્રેતાયુગમાં પ્રભુ શ્રીરામના આવ્યા બાદ ‘રામ રાજ્ય’ની સ્થાપના થઇ, તેઓ હજારો વર્ષો સુધી આપણને માર્ગ બતાવતા રહ્યા. હવે અયોધ્યાની ધરતી આપણને પૂછી રહી છે, સદીઓની આતુરતાનો આજે અંત આવ્યો પરંતુ આગળ શું? હું આજે અનુભવી શકું છું કે ‘કાલચક્ર’ બદલાઇ રહ્યું છે અને આપણી પેઢીને આ અવસર માણવાની તક મળી એ મોટી વાત છે.” તેવું પીએમ મોદીએ ઉમેર્યું હતું.જ્યારે ગર્ભગૃહમાં પ્રાણ પ્રતિષ્ઠા વિધિ ચાલી રહી હતી ત્યારે પીએમ મોદી સતત રામલલ્લાની મૂર્તિને નિહાળી રહ્યા હતા. તેમણે વિધિ બાદ રામલલ્લાને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા હતા. તેમની આંખોમાં પ્રભુ શ્રીરામ પ્રત્યેનો ભક્તિભાવ સ્પષ્ટપણે દેખાતો હતો.