ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન (પીએમ-જનમન) યોજના અમલી બનાવી, આદિમજુથ સમુદાયને વિશેષ સેવાઓ પ્રદાન કરી તેમના ઉત્થાનના વિવિધ કાર્યક્રમો શરૂ કર્યા છે.
આ કાર્યક્રમ અંતર્ગત ડાંગ જિલ્લાના આઇસીડીએસ વિભાગ દ્વારા આદિમ જુથોમાં સમાવિષ્ટ ગામોની આંગણવાડીઓમાં, બાળ તંદુરસ્તી હરિફાઇ, વાનગી નિર્દેશન, આધાર એનરોલમેન્ટ, અને અપડેશન તથા આરોગ્ય શાખાના સંકલનથી આઇસીડીએસ શાખાના લાભાર્થીઓનું હેલ્થ ચેકઅપ જેવી વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામા આવી છે.
જેના ભાગરૂપે જિલ્લાની ૨૦ જેટલી લક્ષિત આંગણવાડીઓમાં કુલ ૮૫ જેટલાં બાળકોની વચ્ચે, બાળ તંદુરસ્તી હરિફાઇ યોજાઇ હતી. જેમાં પ્રથમ આવનાર બાળકોને પ્રોત્સાહકરૂપી ભેટ તેમજ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. બાળકોનાં વાલીઓને આરોગ્ય પોષણ, શિક્ષણ તથા આઇસીડીએસ શાખાની વિવિધ યોજનાની જાણકારી સાથે સાથે THR (ટેક હોમ રાશન)ના પેકેટ, અને સ્થાનિક ઉપલબ્ધ ધાન્યના મહતમ ઉપયોગ અંગેની જાગૃકતા વધે તે દિશામાં વિશેષ પ્રયાસ કરવામાં આવ્યો હતો.
તાજેતરમાં થયેલ સર્વે મુજબ આદિમજુથ વિસ્તાર માટે વઘઇ તાલુકામાં કોશિમદા ગામે આદિમજુથ સમુદાય માટે એક નવા આંગણવાડી કેન્દ્ર માટે સરકારશ્રી દ્રારા મંજૂરી આપી તેને શરૂ કરવામાં આવી છે. જે આંગણવાડી કેંન્દ્રનું ઉદ્દ્ઘાટન ગત તા.૧૫/૧/૨૦૨૪ નાં રોજ કોશીમદા ગામના સરપંચશ્રી રાજેશભાઇ સોન્યાભાઇ ગામીત દ્રારા કરવામાં આવ્યુ હતુ.ઉદ્દઘાટન કાર્યક્રમમા કોશીમદા ગામના ગ્રામજનો, આંગણવાડીઓનાં લાભાર્થીઓ તેમજ વઘઇ આઇસીડીએસ વિભાગનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.