મોડાસા શહેરમાં ગટર લાઇનના કામકાજ માટે ખોદેલા ખાડામાં સ્કૂલ વાન ખાબકવાની ઘટના સામે આવી હતી. સ્કૂલવાન રસ્તા પર પાણી ભરાયેલું હોવાને લઈ વાનને હંકારી હતી. પરંતુ ખાડો પૂર્વવત રીતે પુરી દીધેલો નહીં હોવાને લઈ વાન ખાડામાં ખાબકી હતી. શહેરના ધુણાઇ રોડ પરની આ ઘટનામાં શાળા છૂટ્યા બાદ વિદ્યાર્થીઓને વાન ઘરે મુકવા જઇ રહી હતી ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. વાનને ચાલકે રિવર્સ લેવા દરમિયાન જ પાછળના ટાયર ખાડામાં ખાબક્યા હતા. જેને લઈ વાન પાણીથી ભરાયેલા ઉંડા ખાડામાં ઉતરી જતા વિદ્યાર્થીઓએ ચીચીયારીઓ પાડી હતી. જેને લઈ આસપાસના સ્થાનિકો દોડી આવ્યા હતા અને પાંચેય વિદ્યાર્થીઓને સલામત રીતે બહાર નિકાળી લીધા હતા. ધીમી ગતિએ ગટર લાઇનનું કામ ચાલવાને લઈ સ્થાનિકોમાં પણ રોષ વ્યાપ્યો હતો.