ખેતીમાં રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓનો અંધાધુંધ ઉપયોગ કરતા ખેડૂતોને અટકાવો, સમજાવો: રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી

ખેતીમાં રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓનો અંધાધુંધ ઉપયોગ કરતા ખેડૂતોને અટકાવો, તેમને સમજાવો. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, રાસાયણિક ખાતરની આયાત વધતી જ જાય છે, સાથોસાથ કેન્સર જેવા જીવલેણ રોગો પણ વધતા જાય છે. વધુ ઉત્પાદન મેળવવાની લાલચમાં અન્નમાંથી ૪૫% પોષક તત્વો ગાયબ થઈ ગયા છે. ધરતીમાં પણ પોષક તત્વો રહ્યા નથી. વધુ વિકટ પરિસ્થિતિ સર્જાય તે પહેલાં રાસાયણિક ખાતરનો ઉપયોગ બંધ કરવો જોઈએ.

રાજભવન-ગાંધીનગરમાં પ્રાકૃતિક કૃષિના વિકાસ માટે આજે રાજ્યકક્ષાની સમીક્ષા બેઠક યોજાઈ હતી. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આ બેઠકમાં ઉચ્ચ અધિકારીઓને અનુરોધ કરતાં કહ્યું કે, રાસાયણિક ખાતરના બેફામ ઉપયોગના દુષ્પરિણામો આપણે ભોગવી રહ્યા છીએ. ભૂમિ, પર્યાવરણ, પાણી અને માનવ સ્વાસ્થ્ય માટે રાસાયણિક ખાતર ગંભીર ખતરો છે. તેમણે કૃષિ વિભાગના તમામ અધિકારીઓ-કર્મચારીઓને ખેડૂતોને રાસાયણિક ખાતરનો ઉપયોગ બંધ કરીને પ્રાકૃતિક ખેતી અપનાવવા માર્ગદર્શન અને તાલીમ આપવા સૂચન કર્યું હતું.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી પણ પહેલાં પોતાના ફાર્મ; ગુરુકુલ-કુરુક્ષેત્ર, હરિયાણામાં રાસાયણિક ખેતી કરતા હતા. એક વખત એમના ખેતરમાં જંતુનાશક દવાઓનો છંટકાવ કરી રહેલો વ્યક્તિ દવા છાંટતાં બેભાન થઈ ગયો. તે દિવસથી તેમણે રાસાયણિક દવાઓ-ખાતરની ઝેરી અસરની ગંભીરતા સમજીને પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી છે. તેઓ છેલ્લા નવ વર્ષથી કુરુક્ષેત્ર ફાર્મમાં પદ્ધતિસર પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. એટલું જ નહીં મબલખ ઉત્પાદન પણ મેળવી રહ્યા છે. અને એટલે જ તેઓ અન્ય તમામ લોકો પણ કલ્યાણકારી પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવે એ માટે પરિશ્રમ કરી રહ્યા છે.

ગુજરાતની તમામ કૃષિ યુનિવર્સિટીઓ અને તેમના હસ્તકના કૃષિ વિજ્ઞાન કેન્દ્રોમાં પ્રાકૃતિક કૃષિના મોડેલ ફાર્મ બને અને તમામ કૃષિ યુનિવર્સિટીઓ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપે એવી અપીલ કરતાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરતા કરવા અને સ્વાસ્થ્યપ્રદ ખાદ્યાન્નનું ઉત્પાદન કરવું એ માનવતાના કલ્યાણ અને દેશની ભલાઈનું કાર્ય છે. આ કામ પૂરી પ્રમાણિકતા અને અંતરમનથી થશે તો જ પરિણામો મળશે અને સમગ્ર દેશમાં ક્રાંતિ થશે.

રાજ્ય સરકારના કૃષિ વિભાગ, કૃષિ યુનિવર્સિટીઓ અને અન્ય સંલગ્ન વિભાગોના અધિકારીઓને પ્રાકૃતિક કૃષિ માટે યુદ્ધના ધોરણે કામ કરવાની અપીલ કરતાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, રાસાયણિક ખેતી કરતો ખેડૂત દુઃખી છે. તેની જમીન વેરાન થઈ ગઈ છે. વધારે માત્રામાં રાસાયણિક ખાતર વાપરવું પડતું હોવાથી ખેતીમાં ઉત્પાદન ખર્ચ પણ વધ્યું છે, ઉપરથી બિન આરોગ્યપ્રદ ઉત્પાદન મેળવવાનું. ખેડૂતો પણ રાસાયણિક ખેતી છોડવા  ઈચ્છે છે. પ્રાકૃતિક ખેતી જ કરવી પડશે એવી પરિસ્થિતિ છે, ત્યારે ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું માર્ગદર્શન અને પદ્ધતિસરની તાલીમ આપવાની આવશ્યકતા છે.

સમીક્ષા બેઠકમાં કૃષિ, સહકાર અને કિસાન કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એ. કે. રાકેશ, રાજ્યપાલશ્રીના અગ્ર સચિવ શ્રી રાજેશ માંજુ, ગુજરાત લાઈવલીહુડ  પ્રમોશન કંપનીના મેનેજિંગ ડિરેક્ટર શ્રી મનીષકુમાર બંસલ, ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર શ્રી ડી. એચ. શાહ, કો-ઓપરેટિવ સોસાયટીઝના રજીસ્ટ્રાર શ્રી કમલ શાહ, ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડૉ. સી. કે. ટીંબડીયા, આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. કે. બી. કથીરિયા, કૃષિ નિયામક શ્રી એસ. જે. સોલંકી, આત્માના નિયામક શ્રી પ્રકાશ રબારી, પ્રાકૃતિક કૃષિના રાજ્ય સંયોજક મહાત્મા શ્રી પ્રફુલભાઈ સેંજલીયાજી તથા અન્ય પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

error: Content is protected !!