લોકસભાની સામાન્ય ચૂંટણીઓ જેમ જેમ નજીક આવી રહી છે, તેમ તેમ રાજનીતિમાં ગરમાવો આવી રહ્યો છે. ઉત્તર ગુજરાતમાં ગુજરાત કોંગ્રેસે મોટો ઝટકો ખાધા બાદ એક પછી એક નેતાઓ પાર્ટી છોડી રહ્યા છે. બીજી બાજુ ભાજપનો ભરતી મેળો યથાવત છે. લોકસભાની ચૂંટણી પૂર્વે ભાજપની ભરતી અભિયાન તેજ થઈ ચૂક્યું છે, તેના વહેણમાં આવતી કાલે કેટલાક વધુ નેતાઓ ભાજપમાં જોડાશે.
જી હા… સૌરાષ્ટ્રના પૂર્વ ધારાસભ્ય કેસરિયો કરશે. આ સાથે જ સૌરાષ્ટ્રમાંથી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં ભંગાણ પડશે.આ સાથે જ કોંગ્રેસના કેટલાક પૂર્વ નેતાઓ કેસરિયો કરશે. આ સિલસિલામાં ફરી કોંગ્રેસને ઝટકો પડ્યો છે. અમદાવાદ જિલ્લાના 2 હોદ્દેદારોએ રાજીનામું આપ્યું છે. તેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળવંતસિંહ ગઢવીએ રાજીનામું આપ્યુ છે. આ સિવાય OBC સેલના ચેરમેન ઘનશ્યામ ગઢવીએ રાજીનામું આપ્યું છે. અને કોંગ્રેસ પ્રવકતા સંજય ગઢવીએ પણ રાજીનામું આપ્યું છે.
આ ત્રણેય નેતાઓ ભાજપમાં જોડાય તેવી શક્યતા જોવામાં આવી રહી છે. વિચરતી વિમુક્ત જાતિઓની પ્રદેશ સમિતિ સેલના પ્રમુખ જશવત યોગી પણ ભાજપમાં જોડાશે.ઉલ્લેખનીય છે કે, વિજાપુરના ધારાસભ્ય સીજે ચાવડાએ રાજીનામું ધરી દેતા કોંગ્રેસ આઘાતમાંથી બહાર આવ્યું નહોતું, ત્યાં કોંગ્રેસના પાટીદાર નેતાએ પાર્ટીને રામ રામ કહી દીધા હતા. ડો વિપુલ પટેલ હિંમતનગર વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રહી ચૂક્યા છે.