ટોલ ટેક્ષ નજીક આવીને ઊભી રહેલી ટ્રકની તાડપત્રી કાપીને મોંઘુંદાટ 60 કિલો લસણ ચોરી

રાજયમાં લસણનાં ભાવ આસમાને પહોંચી ગયા છે. એવામાં ગાંધીનગરના શેરથા ટોલ ટેક્ષ નજીક આવીને ઊભી રહેલી ટ્રકની તાડપત્રી કાપીને મોંઘુંદાટ 60 કિલો લસણના તેમજ 130 કિલો સોપારીનાં પાર્સલો અજાણ્યા ઈસમો ચોરીને ફરાર થઈ જતાં અડાલજ પોલીસે ગુનો નોંધી લસણનું પગેરૂ શોધવા માટે દોડધામ શરૂ કરી છે. રોજીંદા ઉપયોગમાં લેવાતા લસણનાં કિલોના ભાવ 400 થી 500 રૂપિયા સુધી આંબી જતાં ગૃહિણીઓનું માસિક બજેટ ખોરવાઈ ગયું છે.

બીજી તરફ હોટલ રેસ્ટોરન્ટ ઉપરાંત ખાણીપીણીનાં વેપારીઓએ પણ લસણનો ઉપયોગ નહિવત્ કરવાની ફરજ પડી રહી છે. એવામાં ટ્રકમાંથી લસણના પાર્સલો ચોરાઈ જવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઇ છે. પ્રાપ્ત વિગતો અનુસાર મહેસાણા જિલ્લાના કડી ખાતે રહેતો અનિક મનસૂરી ટ્રકમાં લસણ, સોપારીના પાર્સલો લઈને કડી લઈ જઈ રહ્યો હતો. જેની સાથે ક્લીનર પણ હતો. ત્યારે શેરથા ટોલટેક્સ પસાર કરીને અનિકે ટ્રક થોડેક આગળ જઈને ઉભી રાખી હતી.

બાદમાં નીચે ઉતરીને ટ્રકની પાછળ તપાસ કરતા તાડપત્રી કપાઈ ગયેલી જોવા મળી હતી. જેથી તેણે ટ્રકમાં તપાસ કરતા અંદરથી 130 કિલો સોપારીના બે પાર્સલો જોવા મળ્યા ન હતા. એટલે વધુ તપાસ કરતા મોંઘી કિંમતનાં બે પાર્સલો પણ જોવા મળ્યા હતા. બન્ને પાર્સલોમાં 60 કિલો લસણ ભરેલું હોવાથી ડ્રાઈવર ક્લીનરે આસપાસના વિસ્તારમાં પાર્સલોની ઘણી શોધખોળ કરી હતી. તોય પાર્સલોનો ક્યાંય પત્તો નહીં લાગતા બંને જણાએ ટ્રક લઈને આવેલા તે હાઇવે રોડ ઉપર પણ તપાસ કરી હતી. પરંતુ પાર્સલો કે લસણનો કોઈ અવશેષ જોવા મળ્યો ન હતો.

આ અંગે તેણે પોતાના શેઠને વાત કરી હતી. બાદમાં પોલીસને જાણ કરવામાં આવતાં અડાલજ પોલીસ પણ ટોલટેક્સ ખાતે દોડી ગઈ હતી. અને આસપાસના લોકોની પૂછતાંછ આદરી હતી. આખરે લસણ – સોપારી ભરેલા પાર્સલો નહીં મળી આવતાં અનિક મનસૂરીએ ફરિયાદ નોંધાવી હતી. જેનાં પગલે પોલીસે 60 કિલો લસણની કિંમત 20 હજાર 472 તેમજ 130 કિલો સોપારીનો ભાવ 63 હજાર 910 આંકી ગુનો નોંધી વધુ તપાસ હાથ હાથ ધરી છે.

error: Content is protected !!