રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં તરખાટ મચાવનાર આંતરરાજ્ય ચોરી કરનાર તમિલનાડુની ગેંગ પોલીસે ઝડપી પાડી છે. ઝડપાયેલા શખ્સની તપાસમાં એક મોટો ખુલાસો થયો છે. આ ચોર ગેંગ મોટી ચોરીને અંજામ આપવાની ફિરાકમાં હતી અને આ માટે તેણે જામનગર શહેરને પસંદ કર્યું. જામનગરમાં અનંત અંબાણીની પ્રિ વેડિંગ સેરેમનીમાં જઈને ચોરી કરવાનો પ્લાન ઘડાયો હતો. આ ગેંગ કારના કાચ તોડીને રોકડ રકમની ચોરી કરતી હતી.
અંબાણી પરિવારના પ્રસંગમાં આવતા મહેમાનોની કારને ટાર્ગેટ કરવાનો પ્લાન ચોર ગેંગે ઘટ્યો હતો. પરંતુ લોખંડી સુરક્ષાના કારણે ત્યાં ચોરીની ઘાત ટળી હતી. જામનગરમાં ચોરીનો પ્લાન નિષ્ફળ જતા તસ્કરોની ગેંગે રાજકોટ અને જૂનાગઢમાં ચોરીઓને અંજામ આપ્યો. રાજકોટના 150 ફુટ રિંગ રોડ પર આવેલા સાગર પાર્ટી પ્લોટ નજીક પાર્ક કરેલી કારમાંથી 10 લાખ રોકડા અને એક લેપટોપની ચોરી કરી હતી. ત્યાર બાદ જૂનાગઢમાં ATMની મદદથી ચોરીના રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. ચોરીને અંજામ આપ્યા બાદ પાંચ શખ્સો દિલ્લી પહોંચ્યા હતા. પરંતુ પોલીસે બાતમીને આધારે આરોપીઓને દબોચી લેતા આ ચોરીના ખેલનો અંત થયો. આરોપીઓ અનેક ગુનાઓ કર્યાની પોલીસ સમક્ષ કબૂલાત કરી છે. પૂછપરછ બાદ અન્ય આરોપીના નામ પણ ખૂલ્લી શકે છે.