જુનાગઢના પોલીસ તોડકાંડને પણ શરમાવે તેવો કાંડ અમદાવાદ પોલીસમાં થયો છે. ગુજરાત પોલીસના ઓફિસરો જ ખાખી વર્દી પર દાગ લગાવવામાં કંઈ બાકી નથી રાખી રહ્યાં. જુનાગઢમાં હજી તરલ ભટ્ટના કચ્ચાચીઠ્ઠા ખૂલી રહ્યાં છે, ત્યાં અન્ય પીએસઆઈએ મોટો તોડ કર્યો હોવાનું ખૂલ્યું છે.
અમદાવાદના એક પીએસઆઈએ એક કરોડ લઈ બુટલેગરને જવા દીધો છે. અમદાવાદ પોલીસમાં તોડબાજ પીએસઆઈનો કિસ્સો બહાર આવતા જ હડકંપ મચી ગયો છે. પોલીસ બેડામાં ચર્ચા શરૂ થઈ છે કે, પીએસઆઈએ એક કરોડ લઈ બુટલેગરને જવા દીધાની વાત સામે આવી છે. તેમજ સ્થાનિક પોલીસને અગાઉથી જાણ કરીને આરોપીને પકડાવી દીધો હતો. પીએસઆઈએ રૂપિયા લેવા છતાં બુટલેગરને પકડાવી દેતા બુટલેગરે પોતાના લાગતા વળગતા અધિકારીઓના કાને આ વાત નાંખી હતી. સમગ્ર મુદ્દો આઈપીએસ ઓફિસ સુધી પહોંચ્યો હતો.
એટલુ જ નહિ, બુટલેગર અને બુકીને જુદા જુદા સ્થળેથી ઝડપી પાડીને પીઆઈ અને પીએસઆઈએ બે કરોડ રૂપિયા પડાવ્યા હોવાનું પણ સામે આવ્યું. આ બાદ આઈપીએએસ ઓફિસરે તાત્કાલિક અસરથી પોલીસ અધિકારીઓને બોલાવીને ખખડાવ્યા હતા. આ ઘટના બાદ પીએસઆઈને મલાઈદાર પોસ્ટિંગ પરથી હટાવી દેવાયા હતા. આમ, અમદાવાદ પોલીસ બેડામાં આ કિસ્સો હાલ ટોકિંગ પોઈન્ટ બન્યો છે. સમગ્ર કાંડમાં રૂપિયા આપનાર બુટલેગર રાજસ્થાનનો છે. જે ગુજરાતમાં દારૂ પહોંચાડવાના કિસ્સામાં અનેક કેસમાં વોન્ટેડ છે. તેની સામે બનાસકાંઠામાં ગુનાઓ દાખલ થયા છે.