તાપી જિલ્લાના આ લાંચિયાને પગાર ઓછો પડ્યો : રૂપિયા ૧૦ હજારની લાંચ લેતા પકડાયો

સોનગઢના સિંગપુર ખાતે આવેલ પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રનો પશુધન નિરીક્ષક કિરણકુમાર ચૌધરી ગતરોજ વ્યારા જનક હોસ્પિટલની બાજુમાં આવેલ ઈન્ડિયન પ્રેટ્રોલ પંપની સામે આવેલ ત્રણ રસ્તા ઉપર રૂપિયા ૧૦ હજારની લાંચ સ્વીકારતા તાપી એસીબીના હાથે ઝડપાયો છે,જેને લઇ લાંચિયાઓમાં ફફડાટ પ્રસરી જવા પામ્યો છે.

એસીબીને ફરિયાદ કરનાર ફરીયાદીશ્રી ખેતી તથા પશુપાલનનો વ્યવસાય કરે છે ,જેઓએ સને ૨૦૨૨-૨૩ માં અનુસુચીત જનજાતિની મહિલા લાભાર્થીઓ માટે બકરા એકમ (૧૦+૧) સ્થાપના માટે સહાય યોજનામાં બકરા ખરીદવા માટે પોતાની પત્નીના નામે આઈ ખેડુત પોર્ટલમાં ઓનલાઈન અરજી કરેલ.

આ યોજનામાં બકરા  ખરીદવા માટે લાભાર્થીને સરકાર તરફથી ૫૦% સબસીડી આપવામાં આવે છે. જે યોજનામાં આરોપી(પશુધન નિરિક્ષક) પાસે બકરાઓની કાનકડી તેમજ પ્રમાણપત્ર લેવાનુ હોય છે.જે બકરાઓની કાનકડી તેમજ પ્રમાણપત્ર આપવાના અવેજ પેટે આરોપીએ ફરીયાદી પાસે સૌપ્રથમ રૂપિયા ૨૮,૦૦૦/- ની લાંચની માંગણી કરેલ,જે રકઝકના અંતે રૂપિયા ૧૦,૦૦૦/- આપવા પડશે તેવુ નક્કી થયેલ પરંતુ ફરીયાદીશ્રી લાંચના નાણા આપવા માગતા ન હોય તેઓએ એસીબીનો સંપર્ક કરી ફરીયાદ આપતા લાંચનુ છટકુ ગોઠવતા આરોપી કિરણકુમાર છગનભાઈ ચૌધરી,પશુધન નિરિક્ષક, પ્રાથમિક પશુ સારવાર કેન્દ્ર સીંગપુર તા.સોનગઢ જી.તાપીનો રૂપિયા ૧૦ હજારની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઈ ગયો હતો.

error: Content is protected !!