પાટનગર ગાંધીનગરના માણસાના ચડાસણા ગામમાં દલિત યુવકનો વરઘોડો રોકી વરરાજાને ઘોડી પરથી નીચે ઉતારાતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. ચડાસણા ગામમાં જાન લઈને પહોંચેલા પરિવાર સાથે ચાર શખ્સોએ ગેરવર્તન કર્યું હતું. વરરાજાને ઘોડી પરથી નીચે ઉતારી દીધો હતો અને કારમાં પણ બેસવા દેવાયો ન હતો. જ્યારે જાનમાં સામેલ ડીજે વાળાને ધમકાવી ભગાડી મૂક્યો હતો.
લગ્નપ્રસંગ પૂર્ણ થયા બાદ આ મામલે પરિવાર દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ચાર શખ્સોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે આ મામલે ગાંધીનગર જિલ્લા સહિત રાજ્યભરનાં દરેક સમાજે આ ઘટનાને વખોડી કાઢી છે. અને દરેક સમાજ દ્રારા એવું કહેવામાં આવી રહ્યું છે કે દલિત સમાજ હિન્દુ ધર્મનું અભિન્ન હિસ્સો છે. દલિત સમાજનો દેશને આગળ લાવવામાં પણ મોટો ફાળો રહ્યો છે. હિન્દુ ધર્મનાં દરેક સમાજે એક તાંતણે બંધાઈને રહેવું જોઈએ અને દલિત સમાજે દેશને સ્વતંત્રતા અપાવવાથી લઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાન અને દેશના વિકાસમાં સહભાગી બની જે કાર્ય કર્યું છે તેની સરાહના થવી જોઈએ. રાજ્ય ભરમાંથી એકજ અવાજ ઉઠી રહયો છે કે, આ ઘટનાં ખુબજ શરમજનક છે આવું ફરી વાર બનવું જોઈએ નહિ અને એકમેકની ભાવનાથી સાથે મળીને રહેવું જોઈએ.