દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્વચ્છતા માટે (કચરો એકત્ર કરવા માટે) ૨૭ ઇ રીક્ષાનું કેબિનેટ મંત્રીશ્રી મુળુભાઇ બેરા દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ તકે કેબિનેટ મંત્રીશ્રી મુળુભાઇ બેરા જણાવ્યું હતું કે, ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોનો વિકાસ ઝડપથી થઈ રહ્યો છે ત્યારે ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાં સ્વચ્છતા જાળવવી ખૂબ જ જરૂરી છે.
દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સ્વચ્છતાના ખૂબ જ આગ્રહી છે જેના ભાગરૂપે વડાપ્રધાનશ્રીએ સ્વચ્છ ભારત મિશન જેવા અભિયાનોની શરૂઆત કરી હતી. આજરોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાની ૧૯ ગ્રામ પંચાયતમાં ૧૫માં નાણાપંચની જિલ્લા કક્ષાની ગ્રાન્ટમાંથી ૨૭ ઇ-રિક્ષા ફાળવવામાં આવી છે. ઇ રિક્ષાના માધ્યમથી ઘરે ઘરેથી કચરો એકત્રિત કરવામાં આવશે અને તેનો યોગ્ય સ્થાને નિકાલ કરવાથી ગ્રામ્ય વિસ્તારો સ્વચ્છ અને સુઘડ બનશે. જેના કારણે અનેક પ્રકારના ફાયદાઓ થશે.
સ્વચ્છતા સાથે સાથે પર્યાવરણનું જતન થાય તે માટે વધારેમા વધારે વૃક્ષો વાવેતર કરી ગામ તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાને હરિયાળો બનાવવામાં યોગદાન આપીએ. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૧૫માં નાણાંપંચ અંતર્ગત ૧૦ટકા જિલ્લા કક્ષાની ગ્રાન્ટમાંથી અંદાજીત રૂ. ૫૩,૫૯,૫૦૦ના ખર્ચે સ્વચ્છતા માટે ( કચરો એકત્ર કરવા માટે) ૨૭ ઇ રીક્ષા, જેમાં ખંભાળિયા તાલુકામાં ૦૨ ઇ રીક્ષા, કલ્યાણપુર તાલુકામાં ૧૪ ઈ રિક્ષા અને દ્વારકા તાલુકામાં ૧૧ ઈ રિક્ષા ફાળવવામાં આવી છે. આ તકે જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ. ડી. ધાનાણી, જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેનશ્રી જિતેન્દ્રભાઈ કણઝારિયા, સંજયભાઈ નકુમ, અગ્રણીશ્રી પી.એસ.જાડેજા, ભરતભાઈ ચાવડા, પ્રતાપભાઈ પિંડારિયા, વી. ડી.મોરી, જગાભાઈ ચાવડા, યોગેશભાઈ મોટાણી, ગોવિંદભાઈ કનારા, કાનાભાઈ કરમૂર, સહિતના ઉપસ્થિત રહ્યા હતા.