ભાલ પંથકમાં પચ્છમ ધામમાં દાદા બાપુના દર્શને ન જવાના મામલે બિલ્ડર સાથે અદાવત રાખીને બોપલના મેરીગોલ્ડ સર્કલ નજીક કેટલાંક લોકોએ કારને રોકીને જીવલેણ હુમલો કર્યો હતો. જેથી બિલ્ડરે સ્વબચાવમાં ફાયરિંગ કર્યું હતું. આ કેસમાં બોપલ પોલીસે બે વ્યક્તિઓની ધરપકડ કરીને શરૂ કરી છે. જોકે ફરિયાદી સામે પણ ક્રોસ ફરિયાદ નોંધાઇ છે. બોપલ સનસિટી ખાતેના શાશ્વત એપાર્ટમેન્ટમાં રહેતા ઉપેન્દ્રસિંહ ચાવડા બુધવારે રાતે બોપલ મેરીગોલ્ડ સર્કલ થઇને તેમની કન્સ્ટ્રક્શન સાઇટ પર જતા હતા ત્યારે ૧૦ જેટલા લોકોએ તેમની કારને રોકીને પાઇપ, હોકી સહિતના હથિયારોથી હુમલો કર્યો હતો. જેથી ઉપેન્દ્રસિંહે બચાવમાં તેમની લાઇસન્સ વાળી રિવોલ્વરથી બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.
આ અંગે બોપલ પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી કરીને હુમલો કરનાર રાજેન્દ્રસિંહ સોલંકી અને અનિલસિંહ પરમારની ધરપકડ કરી હતી. પોલીસે રિવોલ્વર અને કાર જપ્ત કરી છે. ઉપેન્દ્રસિંહ ચાવડાએ ભાલ પંથકમાં આવેલા દાદા બાપુના પચ્છમ ધામમાં દર્શને જવાનું બંધ કરતા તેમને ધમકી આપવામાં આવી હતી. ઉપેન્દ્રસિંહે ત્યાં જવાની સ્પષ્ટ ના કહેતા રાજેન્દ્રસિંહ સોલંકી અને અનિલસિંહ પરમારે અન્ય આઠ જેટલા લોકોને સાથે રાખીને હુમલો કર્યો હતો. આ અંગે બોપલ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. જોકે આ પ્રકરણમાં રાજેન્દ્રસિંહ સોલંકીએ બોપલ પોલીસ મથકમાં ઉપેન્દ્રસિંહ દ્વારા પોતાના અને પોતાના માણસો પર રિવોલ્વરથી ફાયરિંગ કરવા અને માર મારવાના મુદ્દે ક્રોસ ફરિયાદ નોંધાવતાં પોલીસે તે ફરિયાદ નોંધીને પણ તપાસ શરૂ કરી છે.