લોકસભા-2024 ની ચૂંટણીને લઈને પોલીસ વિભાગમાં મોટાપાયે અધિકારીઓની બદલી થવાની વાતો છેલ્લાં કેટલાય સપ્તાહથી થઈ રહી છે. સમયાંતરે મીડિયા અને સોશિયલ મીડિયામાં અધિકારીઓની બઢતી-બદલી ટૂંક સમયમાં થશે તેમ જણાવાય છે. જો કે, આ બઢતી-બદલીના હુકમો ક્યારે થશે તેની જાણ ખુદ ગૃહ વિભાગ ના અધિકારીઓને પણ નથી. કારણ કે, કેટલાંક મહત્વના સ્થાન પર કયા અધિકારીને મુકવા અને કોની બદલી કરવી તેનો નિર્ણય દિલ્હીથી લેવાય છે.
હવે જોવાનું રહ્યું કે, બદલી-બઢતીના હુકમોને દિલ્હીથી ક્યારે ઝંડી મળે છે. ચૂંટણી પંચના નિયમોનુસાર કરવામાં આવનારી બદલીઓમાં વિલંબ થઈ રહ્યો હોવાની ઘટના કોઈ નવી નથી. ભૂતકાળમાં અનેક વખત સિનિયર પોલીસ અધિકારીઓની બઢતી-બદલીમાં વિલંબ જોવા મળ્યો છે અને આ કોઈ નવી વાત પણ નથી.
એક ચર્ચા અનુસાર ગૃહ વિભાગે રાજ્ય પોલીસ બેડામાં ડીવાયએસપી અને IPS અધિકારીઓની બદલી કરવા માટે સમય માંગ્યો હતો અને તેની અવધિ એકાદ દિવસ પહેલાં પૂર્ણ થઈ ગઈ છે. ગુજરાત સરકાર માં અનેક વિભાગો અને અધિકારીઓ હોય છે, પરંતુ સૌથી વધુ ચર્ચા પોલીસ વિભાગ અને તેના અધિકારીઓ રહે છે. એક ચા વાળાથી લઈને બિઝનેસમેન સુધીના લોકો તેમના વિસ્તારમાં કયા પોલીસ અધિકારી આવશે અને કોણ જશે તેની ચર્ચા કરતા જોવા મળે છે.
પોલીસ અધિકારીઓની બઢતી-બદલીમાં રસ લેવામાં અગ્ર સ્થાને વહીવટદારો હોય છે. નવા અધિકારીનો મલાઈદાર વહીવટ મેળવવા માટે વહીવટદારો અધિકારીની બઢતી-બદલીની સંભાવનાઓને ધ્યાને રાખીને પોતાનું લોબીંગ શરૂ કરી દેતા હોય છે. બદલીઓનો દોર આવવાની વાત શરૂ થતાંની સાથે જ પોલીસ અધિકારીઓ સ્થાન જાળવી રાખવા અથવા મેળવવા સક્રિય બની જાય છે. મનપસંદ સ્થાન મેળવવા તેમજ જાળવી રાખવા અધિકારીઓ હરિફાઈમાં ઉતરે છે અને તેની સીધી અસર પ્રજાકિય કામો તેમજ કાયદો-વ્યવસ્થા ની સ્થિતિ પર પડે છે.
જિલ્લા પોલીસ વડા રેન્જ ડીઆઈજી-આઈજી અને અધિક મહા નિર્દેશક કક્ષા અધિકારીઓ જુદાજુદા બહાના હેઠળ ગાંધીનગર અને આકાઓના દરબારમાં દોડાદોડ કરવા લાગ્યા છે. સિનિયર પોલીસ અધિકારીઓની ગેરહાજરીની અસર સીધી પ્રજાની ફરિયાદોના નિકાલ પર પડે છે. સાથે જ તેમના તાબાના અધિકારી-કર્મચારી ગેરહાજરીનો ભરપૂર ગેરલાભ પણ ઉઠાવે છે.
સંભવિત બદલીની યાદીમાં પોતાનું નામ હોવાનું અનુમાન લગાવીને મોટાભાગના અધિકારીઓ નીતિ વિષયક નિર્ણયો લેવાનું ટાળી રહ્યાં છે. ગુજરાત પોલીસમાં એસીબી વડાનો હોદ્દો અતિ મહત્વનો છે. આ હોદ્દો છેલ્લાં બે વર્ષથી વધારાના ચાર્જમાં ચાલે છે. હોદ્દો મહેસાણા જિલ્લા પોલીસ વડા અચલ ત્યાગી અને આણંદ જિલ્લા પોલીસ વડા પ્રવિણ કુમાર કેન્દ્રમાં પ્રતિ નિયુક્તિ પર ગયા ત્યારથી આ સ્થાન ચાર્જમાં ચાલી રહ્યાં છે.
આ ઉપરાંત એડીશનલ ડીજી સ્ટેટ મોનિટરિંગ સેલ સહિત અડધો ડઝનથી વધુ ખાલી હોદ્દા ચાર્જથી ચાલી રહ્યાં છે. સુરત પોલીસ કમિશનરના સ્થાનેથી અજય તોમર નિવૃત્ત થયા હોવાથી જગ્યા ખાલી પડી છે. આ મહત્વના સ્થાન પર નિમણૂંક મેળવવા માટે સિનિયર IPS અધિકારીઓ છેલ્લાં કેટલાંક સપ્તાહથી પ્રયત્નશીલ છે.
આ ઉપરાંત અમદાવાદ રેન્જ અમદાવાદ ગ્રામ્ય એસપી અને DCP અમદાવાદ ક્રાઈમ બ્રાંચ ના સ્થાને કોને નિમણૂંક આપવી તેનો નિર્ણય દિલ્હીના નેતા લેશે. વી. ચંદ્રશેખર પ્રતિ નિયુક્ત પર CBI માં જતાં ખાલી પડેલી સુરત રેન્જ ખાતે અમદાવાદ રેન્જ DIG પ્રેમવીર સિંઘ ની નિમણૂંક નિશ્ચિત મનાય છે. અમદાવાદ ગ્રામ્ય SP અમિત વસાવા CBI માં પ્રતિ નિયુક્તિ પર ગયા હોવાથી તેમનું સ્થાન ખાલી છે. જ્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાંચના ડીસીપી ચૈતન્ય માંડલિકનો કાર્યકાળ પૂર્ણ થઈ ગયો છે.