વડોદરાના ગોત્રી વિસ્તારના સ્પ્રીંગ્સ રીટ્રીટમાં આવેલા ફ્લેટમાં બ્લાસ્ટ થતા એક યુવકનું મૃત્યુ થયાની ઘટના સામે આવી છે. યુવક ફ્લેટમાં તેમના પિતા સાથે રહેતા હોવાનું સામે આવ્યું છે. બાથરૂમમાં ધડાકો થયા બાદ મૃત્યુ થયાનું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળી રહ્યું છે. પ્રાથમિક દ્રષ્ટિએ જોતા ગીઝર ફાટ્યું હોવની આશંકા સેવવામાં આવી રહી છે. જો કે, એફએસએલની તપાસ બાદ સમગ્ર ઘટના પાછળનું કારણ સ્પષ્ટ થશે.
વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલા સ્પ્રીંગ રીટ્રીટ નામના ફ્લેટ્સમાં આઠમાં માળે આવેલા એક ફ્લેટમાં આજે બપોરે ધડાકા સાથે આગ લાગવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક યુવકનું રૂમ સાથે એટેચ્ડ બાથરૂમમાં જ મોત થયું છે. ધટનાની જાણ થતા પોલીસ અને ફાયરના લાશ્કરો ઘટના સ્થળે પહોંચ્યા છે. અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. સ્થળ પર હાજર પોલીસ અધિકારીએ મીડિયાને જણાવ્યુ કે, પોલીસ કંટ્રોલ રૂમમાં મળેલી વર્ધીના આધારે સ્પ્રીંગ રીટ્રીટના એક ફ્લેટમાં આગ લાગી હોવાનું જાણ્યું હતું. સ્થળ પર તપાસ કરતા એક શખ્સનું સળગેલી હાલતમાં મૃત્યુ પામ્યા છે. તેનું નામ અભિષેક ત્રિવેદી (ઉં. 43) છે. તે જીમ ટ્રેનર છે. આગ કેવી રીતે લાગી તે અંગેની વધુ તપાસ કરવા માટે એફએસએલની મદદ લેવામાં આવશે.
આ ફ્લેટમાં જ તેમના બે ફ્લેટ આવેલા છે. અન્ય ફ્લેટમાં તેમના મોટાભાઇ રહે છે. અને આ ફ્લેટમાં તેઓ પોતાના પિતા સાથે રહેતા હતા. સ્થળ પર હાજર ફાયર જવાને મીડિયાને જણાવ્યું કે, આશરે અઢી વાગ્યે સ્પ્રીંગ્સ રીટ્રીટ – 4 માં બાથરૂમમાં આગ લાગી હોવાનો કોલ મળ્યો હતો. ઘટના સ્થળે આવીને જોયું કે, એક શખ્સનું મૃત્યુ થયું હતું. સ્થાનિક લોકોએ આગ પર કાબુ મેળવી લીધો હતો.