બોગસ પેઢીના નામે કુલ 15.17 કરોડના બોગસ બીલોના આધારે લાખો રૃપિયાની ક્રેડીટ ઉસેટવાના કેસમાં સુરત ક્રાઈમ બ્રાંચે જેલભેગા કરેલા આરોપીની જામીનની માંગને એડીશ્નલ સેશન્સ જજ શકુંતલાબેન એન.સોલંકીએ નકારી કાઢી છે.
સુરત ક્રાઈમ બ્રાંચમાં આરોપી મનોજ પ્રવિણભાઈ કેવડીયા(રે.જય સોમનાથ સોસાસટી,મોટા વરાછા) સહિત અન્ય આરોપીઆએ ફરિયાદીએ પોતાની અખિલ એન્ટરપ્રાઈઝના નામે જીએસટી નંબર મેળવીને એપ્રિલ-2022થી ડીસેમ્બર-2022 દરમિયાન કુલ 15.17 કરોડના બોગસ બીલીંગ કૌભાંડ આચરીને કરોડો રૃપિયાની ક્રેડીટ ઉસેટી ઠગાઈનો કારસો રચવા અંગે ફરિયાદ નોંધાઈ હતી.
આ કેસમાં સુરત ક્રાઈમ બ્રાંચે જેલભેગા કરેલા આરોપી મનોજ કેવડીયાએ વિલંબિત ફરિયાદનો ખુલાશો ન કરવા, આરોપીએ બોગસ બીલીંગ કરીને આર્થિક લાભ ન મેળવ્યો હોઈ પ્રથમ દર્શનીય કેસના અભાવે જામીન આપવા માંગ કરી હતી.જેના વિરોધમાં સરકારપક્ષે એપીપી દિપેશ દવેએ એફીડેવિટ રજુ કરી જણાવ્યું હતું કે આરોપીએ અન્ય આરોપીઓના મેળા પિપણામાં ફરિયાદીની પેઢીના નામે જીએસટી નંબર મેળવી બોગસ બીલીંગના વ્યવહારો કરી ક્રેડીટ ઉસેટી હોવાનો પ્રથમ દર્શનીય કેસ છે.આરોપી એ વી.એમ.ફેશન્સ પેઢીના નામે બોગસ બીલીંગ આચરીને 18 ટકા જીએસટી ક્રેડીટ મેળવી છે.હાલ તપાસ ચાલુ હોઈ આરોપીને જામીન આપવાથી સાક્ષી પુરાવા સાથે ચેડા થવાની સંભાવના છે.