ભારતીય મૂળના દંપતીને ઓસ્ટ્રેલિયામાં 33 વર્ષની સજા ફટકારવામાં આવી

ભારતીય મૂળના બ્રિટિશ દંપતીને ઓસ્ટ્રેલિયામાં 33 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. આરતી ધીર અને કંવલજીત રાયજાદા પર ડ્રગ્સ તસ્કરી અને મની લોન્ડ્રિંગનો આરોપ હતો. પ્રાપ્ત વિગતો મુજબ દંપતી પર ડ્રગ્સ તસ્કરીના 12 અને મની લોન્ડ્રિંગના 18 કેસ ચાલતા હતા, આ કેસમાં દંપતી દોષિત ઠરતા 33 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે. તો 600 કરોડના ડ્રગ્સ ડીલર્સ દંપતીનું ગુજરાત કનેક્શન પર નજર કરીએ તો, આરતી ધીરનો પરિવાર પંજાબના ગુરુદાસપુરનો છે, જ્યારે 35 વર્ષિય પતિ કવલજિત રાયજાદા જૂનાગઢના કેશોદનો વતની છે. વર્ષ 2015માં દંપતીએ ગોપાલ નામના બાળકને દત્તક લીધુ હતું.

12 વર્ષિય ગોપાલના નામે 1 કરોડનો વીમો કરાવ્યો હતો અને 5 લાખની સોપારી આપીને તેની હત્યા કરાવી હતી. પોલીસ તપાસમાં ઝડપાયેલા આરોપીએ દંપતી દ્વારા સોપારી આપવામાં આવી હોવાનો ખુલાસો કર્યો હતો. આ કેસમાં વર્ષ 2019માં પ્રત્યાપર્ણની ભારતની અરજી લંડનની કોર્ટે ફગાવી હતી. તો દાણચોરીના કેસમાં પણ દંપતીની સંડોવણી છતી થઇ હતી, દંપતીએ 2015માં ‘વી ફ્લાય ફ્રાઇટ સર્વિસ’ નામની કંપની શરૂ કરી હતી, કાર્ગો પરિવહન કરતી કંપનીની આડમાં ડ્રગ્સની હેરાફેરી કરવામાં આવતી હતી અને મેટલ ટૂલબોક્સમાં ડ્રગ્સ છુપાવીને કોમર્શિયલ ફ્લાઈટ દ્વારા અન્ય દેશોમાં મોકલતા હતા.

2021માં જ્યારે પોલીસે ચેકિંગ દરમિયાન બોક્સ ખોલતા ડ્રગ્સ મળી આવ્યું હતું. જેના પર કવલજિતના ફીંગર પ્રિન્ટ મળ્યા હતા. જે બાદ બંનેની ધરપકડ કરવામાં આવી હતી. પુરાવાના અભાવે દંપતી છૂટી ગયું, જો કે, 2023માં ફરીવાર બંનેની ધરપકડ કરાઇ હતી. 2021માં ધરપકડ દરમિયાન પોલીસને દંપતીના ઘરેથી 5.26 લાખ રૂપિયાના ગોલ્ડ પ્લેટેડ સિલ્વર બિસ્કિટ અને લગભગ 77 લાખ રૂપિયાની રોકડ મળી આવી હતી. તો સ્ટોરેજ યુનિટમાંથી રૂ. 31.61 કરોડની રોકડ પણ મળી આવી હતી. દંપતીએ 8 કરોડ રૂપિયાનો ફ્લેટ અને 65.33 લાખ રૂપિયાની કાર પણ ખરીદી હતી. બંનેએ 2019થી અત્યાર સુધી વિવિધ બેંકમાં 7.79 કરોડ રૂપિયા જમા કરાવ્યા હતા. આ કારણે બંને પર મની લોન્ડરિંગનો આરોપ પણ લગાવવામાં આવ્યો હતો.

 

 

error: Content is protected !!