કેન્દ્રીય રેલ્વે અને ટેકસટાઇલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ દ્વારા સિટી લાઈટ વિસ્તાર સ્થિત સાયન્સ સેન્ટર ખાતે ‘ઇન્ટરનેશનલ ફોકલોર ડાન્સ ફેસ્ટ ૨.૦’નો શુભારંભ કરાયો હતો. વિવિધ દેશોની કલા અને સંસ્કૃતિને ઉજાગર કરતા આ કાર્યક્રમમાં પોલેન્ડ, રોમ, થાઇલેન્ડ, શ્રીલંકા અને ભારતની સાંસ્કૃતિક નૃત્યકલાનું નિદર્શન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મંત્રીશ્રીએ સુરતના મહેમાન બનેલા વિદેશી કલાકારોને આવકારી પ્રાચીન કાળથી ભારતમાં કલા અને સંસ્કૃતિને અપાતા મહત્વ અંગે જણાવ્યું હતું. તેમણે દેશ પરદેશમાં પ્રખ્યાત ભારતીય પરંપરા અને પહેરવેશનો ઉલ્લેખ કર્યો હતો. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, એક મંચ પર એક સાથે વિવિધ દેશોની કલા અને સંસ્કૃતિને માણવાની અમૂલ્ય તક શહેરીજનોને પ્રાપ્ત થઈ છે.સાંસ્કૃતિક પરિધાનમાં સજ્જ પાંચેય દેશોના નૃત્ય કલાકારો દ્વારા પોતાની કલા અને સંસ્કૃતિનું અલૌકિક નિદર્શન શહેરીજનો માટે અવિસ્મરણીય સંભારણું બન્યું હતું.