ભૂસ્તર તંત્રએ રેતીની બિનઅધિકૃત હેરફેર કરતાં 13 ડમ્પર સહિત 3 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો

ગાંધીનગરમાં છેલ્લાં ઘણાં વખતથી ગાઢ નિંદ્રામાં પોઢી ગયેલ ભૂસ્તર તંત્રની જિલ્લા કલેકટરે ઊંઘ ઉડાડી દઈ ભૂમાફિયાઓ સામે કડક કાર્યવાહી કરવાના આદેશો આપવામાં આવતા જ ભૂસ્તરની ટીમે સફાળી જાગીને રાત્રિ દરમ્યાન આકસ્મિક ચેકીંગ શરૂ કરી રેતીની બિનઅધિકૃત હેરફેર કરતાં 13 ડમ્પર સહિત 3 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી લેવાની ફરજ પડી છે. થોડા દિવસો અગાઉ સાદરા ગામમાં જક્ષણી માતાના મંદિરની પાછળ સાબરમતી નદીમાંથી ગેરકાયદેસર રેત ખનન કરાતું હોવાની બૂમરાણ ઉઠતાં જ જિલ્લા ભૂસ્તરની ટીમને ચેકીંગ કરવા નીકળવું પડયું હતું. એ વખતે ભૂસ્તર ટીમે રેત ભરેલા બે ટ્રેકટર પણ જપ્ત કરી લીધા હતા.

જો કે બેફામ બનેલા ખનીજ માફિયા ગેંગે ભૂસ્તરની ટીમ ઉપર હૂમલો કરી રેત સ્થળ ઉપર ઠાલવી દઈ ટ્રેકટરો છોડાવી લઈ જવાયા હતા. આ મુદ્દે ગુનો દાખલ થતાં ચીલોડા પોલીસે ભૂ માફિયા ગેંગને ઝડપી પાડી જેલમાં ધકેલી દેવાયા હતા. જો કે આ ઘટના પછી પણ બોધપાઠ નહીં મળતા ભૂસ્તર તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી ન હતી. જે મામલાની ગંભીર નોંધ લઈ જિલ્લા કલેકટર એમ.કે. દવેએ ખનીજ માફિયાઓ સામે લાલ આંખ કરી ભૂસ્તર તંત્રની ઉંઘ ઉડાવી દેવામાં આવી હતી. જેનાં પગલે ગાઢ નિંદ્રામાં પોઢી ગયેલી ભૂસ્તરની ટીમે ગઈકાલે રાત્રે જુદી જુદી ચેકપોસ્ટ ઉપર રાત્રીના સમયે આકસ્મિક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.

જેમાં પોલમ પોલ ચાલતી હોવાનું ધ્યાને આવતાં બિન અધિકૃત રીતે રેતી વહન કરતાં કુલ 13 ડમ્પરોને પીપળજ ચેકપોસ્ટથી જપ્ત કરી લેવાયા છે. અને ત્રણ કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી બિનઅધિકૃત રીતે સાદી રેતી ખનીજની હેરફેર કરનાર કસુરદારો વિરૂધ્ધ ગુજરાત મિનરલ્સ (પ્રિવેન્શન ઓફ ઇલ્લીગલ માઈનિંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ) – નિયમો 2017 હેઠળ નિયમાનુસાર કાર્યવાહી હાથ ધરી છે.

 

error: Content is protected !!