મુંબઈના મુલુંડમાં રહેતા ફોટોગ્રાફરને ફોન કરી પોતાની બહેનના લગ્નના આયોજન માટે બંને પક્ષના સભ્યો સુરતમાં મળવાના છે તેની ફોટોગ્રાફી અને વિડીયો શુટીંગ કરવા સુરત લાવી ભેજાબાજ હોટલના રૂમમાંથી રૂ.5.90 લાખના કેમેરા, લેન્સ, અન્ય સામાન લઈ ફરાર થતા મહિધરપુરા પોલીસે તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મુંબઈના મુલુંડ ( વેસ્ટ ) આર.આર.ટી રોડ ટી.એસ.કોટેજ સ્થિત ઓમ શ્રીરામ કો.ઓ.હાઉસિંગ સોસાયટી રૂમ નં.16/17 માં રહેતા 23 વર્ષીય ફોટોગ્રાફર કેદાર જીતેન્દ્રભાઇ ટાંકને ગત પાંચમીના રોજ એક વ્યક્તિએ ફોન કરી પોતાની ઓળખ ફેરીન પટેલ તરીકે આપી હતી.પોતે મુંબઈમાં બિઝનેસ કરે છે અને મૂળ સુરતનો છે તેમ કહી ફેરીને સુરત ખાતે પોતાની બહેનના લગ્નના આયોજન માટે બંને પક્ષના ફેમિલી મેમ્બર મળવાના છે અને તેની ફોટોગ્રાફી અને વિડીયો શુટીંગ કરવાનું છે તેમ કહ્યું હતું.તમારું કામ તમારા ફ્રેન્ડ સર્કલ પાસેથી જોયું છે અને પસંદ આવ્યું છે તેવું કહી ઓર્ડરની વાત કરતા કેદારે તેને રૂ.60 હજારનો એસ્ટીમેટ આપ્યો હતો.ફેરીને કેદારને બેસ્ટ ક્વોલિટીના કેમેરા અને સામાન લઈ આવવા કહ્યું હતું.
કેદારે તો ચાર્જ વધશે તેવું કહેતા ફેરીને હા પાડી મકરસંક્રાંતિના દિવસે ફોટોગ્રાફી કરવાનો હોય અગાઉથી આવી જવા કહ્યું હતું.કેદાર પાસે હાઈ ડેફીનેશનના કેમેરા કે લેન્સ ન હોય પરિચિત સચિન ગુપ્તા પાસેથી તેવા કેમેરા અને અન્ય સામાન ભાડેથી લીધો હતો.તેમજ ફેરીને જે પ્રકારની ફોટોગ્રાફીની વાત કરી હતી તેમાં વધુ ફોટોગ્રાફરની જરૂરીયાત હોય મિત્ર ફોટોગ્રાફર કરણ ગોહિલને તેના કેમેરા અને અન્ય સામાન સાથે તેમજ હેલ્પર વિનયભાઈ જાદવ સાથે 13 મી ની સાંજે ટ્રેનમાં સુરત સ્ટેશન પહોંચ્યો હતો.ફેરીનને ફોન કરી પ્રોગ્રામનું સરનામું પૂછતાં તેણે બીજા દિવસથી શરૂ થવાનો હોય તેમને સ્ટેશનની બાજુની હોટલ જીંજરમાં લઈ ગયો હતો અને ત્યાં પોતાના નામે બુક કરેલા રૂમ નં.223 માં ઉતાર્યા હતા.ફેરીન બાદમાં તેમને સુરતના લોકોની મકરસંક્રાંતિની ખરીદી જોવા ભાગળ લઈ ગયો હતો.ત્યાંથી રાત્રે હોટલ છોટે મીયામાં જમવા લઈ ગયો હતો.
જમવાના ટેબલ પર ઓર્ડર આપી તેઓ બેસેલા હતા ત્યારે ફેરીન મારી તબિયત ખરાબ છે મારે જમવું નથી.મારી ગાડી લેવા આવી છે તમે જમીને બાજુમાં કેનેરા બેન્ક પાસે આવો.હું ગાડીમાં આરામ કરું છું તેમ કહી જમ્યા વિના ચાલ્યો ગયો હતો.જમીને કેદાર અને અન્યો બેન્ક પાસે ગયા ત્યારે ફેરીન કે તેની કાર નહોતી.તે ફોન પણ રિસીવ કરતો ન હોય તબિયત સારી નહીં હશે તેથી ઘરે ચાલ્યો ગયો હશે તેમ માની તેઓ હોટલ પર પહોંચ્યા તો રૂમ ખૂલતો નહોતો.
રિસેપશન પર તપાસ કરતા જાણવા મળ્યું હતું કે જેમણે રૂમ બુક કરાવ્યો હતો તે ફેરીન થોડીવાર પહેલા જ રૂમની બીજી ચાવી અને કાર્ડ રીઇન્સ્ટોલ કરાવી સામાન લઈ ચાલ્યો ગયો છે.કેદારે રૂમ ખોલાવતા તેમનો રૂ.5,90,300 ની મત્તાના કેમેરા, લેન્સ, અન્ય સામાન નહોતો.આ અંગે તેમણે મહિધરપુરા પોલીસ મથકમાં ફેરીન વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.