આજનો યુવાન એ આવતીકાલનો જવાબદાર નાગરિક છે. યુવાનોમાં મતદાન અંગે જાગૃતિ લાવવા તથા ફર્સ્ટ ટાઇમ વોટર અચૂક મતદાન કરે તેવા હેતુથી અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સ્વીપ એક્ટિવિટી અંતર્ગત વિવિધ યુનિવર્સિટીઓ અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે મતદાન જાગૃતિ અભિયાનમાં સહભાગિતા અંગે MoU કરી વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આ પ્રકારના કાર્યક્રમો થકી યુવાઓને લોકશાહીના મહાપર્વના સહભાગી થવા પ્રોત્સાહિત કરવામાં આવે છે. આ અભિયાન અંતર્ગત અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર અને ગુજરાત યુનિવર્સિટી વચ્ચે ‘મતદાન જાગૃતિ’ અંગે MoU કરવામાં આવ્યા હતા. અને કાર્યક્રમનું આયોજન પણ કરાયું હતું. જ્યાં યુવાનોમાં મતદાન પર્વમાં મહત્વ અને મતદાન અંગે જાગૃતિ લાવવા કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આગામી દિવસોમાં ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન તમામ કોલેજોમાં ‘મતદાન જાગૃતિ’ના કાર્યક્રમોનું આયોજન કરી યુવાઓને લોકશાહીના મહાપર્વના સહભાગી થવા પ્રોત્સાહિત કરવામાં આવશે. આ ઉપરાંત ભારતીય ચૂંટણી પંચના નિર્દેશાનુસાર યુવાનોને પ્રેઝન્ટેશન દ્વારા ચૂંટણી અને મતદાન જેવી બાબતોની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. સાથે સાથે યુવાનો સાથે પ્રશ્નોતરી અને સંવાદ થકી લોકશાહીના પર્વનું મહત્વ સમજાવ્યું હતું. વધુમાં યુવાનોને ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલ તમામ વ્યવસ્થાઓ, હેલ્પલાઇન નંબર, સક્ષમ એપ્લિકેશન વિશે પણ માહિતી પૂરી પાડવામાં આવી હતી.
આ કાર્યક્રમના અંતે ઉપસ્થિત ફર્સ્ટ ટાઈમ વોટર બનનાર સૌ યુવાનોએ દેશહિતમાં અચૂક મતદાનના શપથ લીધા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી ગુજરાત યુનિવર્સિટીના અનેક સંસ્થાનોમાં ‘મતદાન જાગૃતિ’ અંગેના વિવિધ કાર્યક્રમો યોજાયા છે. યુવા મતદારો દ્વારા મતદાન અંગે રેલી, પોસ્ટર મેકિંગ, પ્રભાત ફેરી, સિગ્નેચર કેમ્પેઇન, રંગોળી જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી મતદાન જાગૃતિ અંગેનો મેસેજ આપ્યો હતો. અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સ્વીપ એક્ટિવિટી અંતર્ગત આગામી દિવસોમાં શહેર-જિલ્લાની વધુમાં વધુ શૈક્ષિણક સંસ્થાઓ અને યુનિવર્સિટીઓમાં યુવા મતદારોની સક્રિય ભાગીદારી વધે તે સંદર્ભે MoU કરવામાં આવશે. આ પ્રસંગે ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રાર શ્રી ડૉ.પી.એમ.પટેલ, યુનિવર્સિટીના પ્રાધ્યાપકો તથા વિવિધ વિભાગોના વડા, સ્વીપ એક્ટિવિટીના નોડલ ઓફિસર શ્રી યોગેશ પારેખ અને મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદ શહેર તથા જિલ્લામાં મહત્તમ લોકો મતદાન પર્વમાં સહભાગી થાય તે દિશામાં અમદાવાદ ચૂંટણી તંત્ર સતત કાર્યરત છે, એવું સ્વીપ એક્ટિવિટીના નોડલ અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.