વલસાડના ચણવઇ તથા પારનેરા હાઇવે ઉપર બે અલગ અલગ અકસ્માતના બનાવમાં એક યુવતી તથા એક યુવકનું ગંભીર ઈજાને લઈ મોત નીપજતાં ફરિયાદ નોંધાઈ છે.
પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ વલસાડના અબ્રામા ખાતે રહેતી આરતી વૈભવ પટેલ (ઉવ.23) પારડીની એંજલ હોસ્પિટલમાં નોકરી અર્થે સવારે મોપેડ લઈને નિકળી હતી. ચણવઇ ઓવરબ્રિજ નેહા નં.48 સુરતથી મુંબઈ જતા ટ્રેક પરથી પસાર થતી વખતે પાછળથી આવેલા કન્ટેનરના ચાલકે મોપેડને ટક્કર મારી હતી. જેમાં આરતીને ગંભીર ઈજા થતા સારવાર અર્થે 108 મારફતે વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી, જ્યાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બનાવમાં વલસાડના મોગરાવાડી મોટાતળાવ પાસે રહેતો અમરચંદ સોહનલાલ કુમાવત (ઉંવ.31) લેબરનું કામ કરવા પોતાની મોટરસાયકલ લઈ મિત્ર જગજીત સાધુ સાથે પારડી જઈ રહ્યો હતો.
પારનેરા પારડી ખોખરા ફરીયા સુગર ફેક્ટરી ઓવરબ્રિજ સુરતથી મુંબઈ તરફ જતા રોડ પરથી પસાર થતી વેળાએ પાછળથી આવેલી ઇકો કારના ચાલાકે પુરઝડપે હંકારીને મોટર સાયકલ સાથે અકસ્માત કર્યો હતો. જેમાં બંને જણા નીચે પટકાતા અમરચંદ અને જગજીતને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે 108 મારફતે વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. વધુ ગંભીર ઈજા થવાથી અમરચદનુ મોત થયું હતું. હાઇવે ઉપર બે અલગ અલગ બનાવમાં બેના મોતની નિપજતા પોલીસે અકસ્માત ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.