વડગામ તાલુકાના અંધારિયા ગામના 28 વર્ષના યુવાને વ્યાજની ઉઘરાણીથી તંગ આવીને જીવ ગુમાવી દીધો છે. અંધારિયા ગામનો જીતેન્દ્ર પ્રભાતભાઈ દેસાઈ એ ચારેક વર્ષ અગાઉ ત્રણ અલગ અલગ વ્યાજખોરો પાસેથી રોકડા રુપિયા વ્યાજે લીધા હતા. જ્યારે એક વ્યાજખોર પાસેથી રોકડ ઉપરાંત પશુપાલનના ધંધા માટે ગાયો પણ ઉધારમાં લીધી હતી.
વારંવાર વ્યાજની ઉઘરાણી વધારે કરવાને લઈ તંગ આવી ગયેલા યુવાને આખરે ઝેરી દવાની ટીકડીઓ ખાઇ લીધી હતી. ગત ગુરુવારે પોતાના ઘરમાં જ ઝેરી દવાની ટીકડીઓ ખાઇ જવા ઉપર ઉધઇની દવા પણ પી ગયેલ. ત્યાર બાદ તેની તબિયત લથડતી જોઈને પરિવારજનોએ તેને દાંતાના રતનપુરની લોકસેવા હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં ઝેરી દવા ખાધી હોવાનું સામે આવ્યુ હતુ. દાંતાથી તેને સ્થિતિની ગંભીરતા જોઈને પાલનપુર ખસેડવામાં આવ્યો હતો. જ્યાં પાલનપુરની સ્થાનિક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે રાખવામાં આવતા ત્યાં સ્થિતિ ગંભીર જણાતા અમદાવાદ ખસેડવા માટેની તજવીજ હાથ ધરી હતી.
28 વર્ષના જીતેન્દ્ર દેસાઈને પાલનપુરથી અમદાવાદ ખસેડ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન જ જિતેન્દ્રએ પોતાના દમ તોડી દીધો હતો. શુક્રવારે જીતેન્દ્ર દેસાઈએ પોતાના અંતિમ શ્વાસ અમદાવાદની હોસ્પિટલમાં સારવાર દરમિયાન લીધા હતા. જેને લઈ તેના પરિવારજનોએ વડગામની સ્થાનિક પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. પાલનપુરની હોસ્પિટલમાં જીતેન્દ્રએ સ્યુસાઇડ નોટ લખી હતી. જેને આધારે હવે પોલીસે તપાસ શરુ કરી છે. મૃતક જીતેન્દ્ર દેસાઈએ વ્યાજે લીધેલ રકમમાંથી 1.60 લાખ રુપિયાની રકમ તૂટક તૂટક પરત ચુકવી હતી.
પરંતુ પશુપાલનના વ્યવસાયમાં પોતાની આર્થિક સંકડામણ વધતી જતા મુશ્કેલી સર્જાઈ હતી. બીજી તરફ વ્યાજ ચૂકવવું મુશ્કેલ થઈ રહ્યુ હતુ. ગાયો પણ મોતને ભેટતા વધારે મુશ્કેલી સર્જાઈ હતી. આમ વ્યાજ નિયમિત નહીં થતા વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણી શરુ કરી હતી. જેને લઈ જીતેન્દ્રને લાગી આવતા ઝેરી દવા વડે મોત વ્હાલુ કર્યું હતુ. આ ઘટનામાં ઇશ્વર ભેમાભાઈ પ્રજાપતિ, રહે મુમનવાસ, ( 2 લાખ રુપિયા 10 ટકાના વ્યાજે લીધા હતા),બળવંતસિંહ અમીરજી રાજપૂત, રહે મોટાસડા, તા. દાંતા, ( 3 લાખ રુપિયા વ્યાજે લીધા હતા.), નરેન્દ્રસિંહ વિરુસિંહ બારડ, રહે મોટાસડા, તા. દાંતા, (1 લાખ રુપિયા વ્યાજે અને 9 ગાયો ઉધાર લીધી હતી. જેમાં 7 ગાયોના મોત નિપજ્યા હતા.) સામે ફરિયાદ નોંધાઈ છે.