યુવાનોમાં મતદાન અંગે જાગૃતિ લાવવા તથા પ્રથમ વાર મતદાન કરનાર યુવા મતદારો અચૂક મતદાન માટે પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશથી અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સ્વીપ એક્ટિવિટી અંતર્ગત યુનિવર્સિટીઓ તથા શૈક્ષણિક સંસ્થાઓમાં ‘મતદાન જાગૃતિ’ અંગેના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
આ અભિયાન અંતર્ગત અમદાવાદના આઈકોનિક એવા ‘અટલ બ્રિજ’ ખાતે ફર્સ્ટ ટાઇમ વોટ કરનારા યુવાનોએ અચૂક મતદાનના શપથ લીધા હતા.યુવાનો દ્વારા દેશના વિવિધ પ્રાંતના પેહરવેશ પહેરી દેશહિતમાં મતદાન પર્વમાં સહભાગી થવા સંદેશો આપ્યો હતો. વધુમાં આ યુવાનો દ્વારા સિગ્નેચર કેમ્પેઇન પણ કરવામાં આવ્યું હતું.દેશની સાંસ્કૃતિક વિવિધતાની ઝાંખી રજૂ કરવાની સાથે સાથે યુવાનોએ ‘મતદાન જાગૃતિ’ અન્વયે રેલી યોજી હતી. આ રેલીમાં યુવાનોએ મતદાન જાગૃતિ અંગેના વિવિધ બેનરો અને પોસ્ટર્સ જેવા કે, ‘દસ મિનિટ દેશ માટે’, ‘વોટ ફોર સ્યોર’, ‘ચુનાવ કા પર્વ, દેશ કા ગર્વ’, જેવાં વિવિધ સૂત્રો દ્વારા લોકોને માહિતગાર કર્યા હતા.
ગુજરાત યુનિવર્સિટીના બી.કે.સ્કૂલ ઓફ બિઝનેસ મેનેજમેન્ટના પ્રથમ વર્ષના યુવાનો દ્વારા આ રેલી યોજવામાં આવી હતી.જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આ પ્રકારના કાર્યક્રમો થકી યુવાઓને લોકશાહીના મહાપર્વના સહભાગી થવા પ્રોત્સાહિત કરવામાં આવે છે.આગામી દિવસોમાં વધુમાં વધુ શૈક્ષણિક સંસ્થાઓ અને કોલેજોમાં ‘મતદાન જાગૃતિ’ના કાર્યક્રમોનું આયોજન કરી યુવાઓને લોકશાહીના મહાપર્વના સહભાગી થવા પ્રોત્સાહિત કરવામાં આવશે, એવું સ્વીપ એક્ટિવિટીના નોડલ અધિકારી શ્રી યોગેશ પારેખ દ્વારા જણાવવામાં આવ્યું છે.અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેર તથા જિલ્લામાં મહત્તમ લોકો મતદાન કરે તે દિશામાં અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર સતત કાર્યરત છે.