રાહત ફતેહ અલીએ નોકરને ફટકાર્યો

સિંગર રાહત ફતેહ અલી ખાનનો તેના નોકરને માર મારતો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયો બાદ નેટ યૂઝર્સ ભારે ભડક્યા હતા અને તેમણે રાહત અલીનો તમામ રીતે બહિષ્કાર કરી દેવો જોઈએ તેવું એલાન પણ આપ્યું હતું. ભારે વિવાદ થતાં આખરે રાહત અલીની સાન ઠેકાણે આવી હતી અને તેણે આ કૃત્ય બદલ માફી માગતો વીડિયો આ નોકર સાથે જ પોસ્ટ કર્યો હતો.

રાહત ફતેહ અલી ખાને એમ કહીને વાત વાળવાનો પ્રયાસ કર્યો હતો કે આ તેનો નોકર નહીં પરંતુ શિષ્ય છે અને ગુરુ શિષ્ય વચ્ચે આવી માથાફોડ તો થતી રહે છે. સારું કામ કરે તો શિષ્યને પ્રેમ મળે છે અને ભૂલ કરે તો તે માટે ભોગવવું પણ પડે છે. જોકે, નેટ યૂઝર્સ તેના આ ખુલાસાની સંતુષ્ટ થયા ન હતા. સંખ્યાબંધ લોકોએ કહ્યું હતું કે પોતે હવે રાહતનાં ગીતો સાંભળવાનાં બંધ કરી દેશે.

રાહતે દારુની બોટલ માટે થઈને નોકરને માર માર્યો હોવાનું કહેવાય છે. જોકે, રાહતના દાવા અનુસાર આ ઝઘડો શરાબ નહીં પણ પાણીની બોટલ માટે હતો. પરંતુ લોકો તેના આ દાવાથી પણ સંતુષ્ટ થયા ન હતા. ભૂતકાળમાં પણ રાહતે દારુના નશામાં ગેરવર્તાવ કર્યો હોવાના જૂના વીડિયો પણ નેટ યૂઝર્સ દ્વારા વાયરલ કરાયા હતા.

રાહતના નોકરે વીડિયોમાં એવો દાવો કર્યો હતો કે પોતાનાથી ભૂલ થઈ ગઈ હતી એટલે ગુરુને કોઈપણ શિક્ષા કરવાનો અધિકાર છે. જેણે વીડિયો બનાવ્યો છે એ વ્યક્તિ બ્લેકમેઈલર છે. જોકે, લોકોએ આ ખુલાસાની સામે વળતી ટિપ્પણી કરી હતી કે આ મામલો બ્લેકમેઇલિંગ નહીં પણ લાંચનો લાગે છે. રાહતે માર માર્યા બાદ નોકરને પૈસા આપી આવું બોલવા મજબૂર કર્યો છે.

error: Content is protected !!