વિધાનસભા ગૃહમાં સરકારી શિક્ષણ સામે કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે સવાલો ઉઠાવ્યા

સરકારી શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ નથી અપાતુ. વિધાનસભા ગૃહમાં સરકારી શિક્ષણ સામે આ સવાલ ઉઠાવ્યો છે કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે. તેમણે  દાવો કર્યો છે કે સરકારી સ્કૂલોમાં સ્ટાફની અછત છે અને ભૌતિક સુવિધાનો ભારોભાર અભાવ છે. તેઓ આરોપ લગાવ્યો કે જાણી જોઇને શિક્ષણનું ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે અને સરકારી શાળાઓનો એકડો ભૂસવાનો સરકાર પ્રયાસ કરી રહી છે.

આ તરફ રાજ્યમાં વિવિધ ભરતી અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, સરકારના વહીવટી તંત્રને વધુ મજબૂત કરવા માટે રાજ્ય સરકાર દ્વારા વર્ગ-3 ની જગ્યાઓ સત્વરે ભરવાનું આયોજન હાથ ધરાયું છે. જે માટે વર્ષ 2024માં કુલ 8000 જેટલી વિવિધ સંવર્ગની જગ્યાઓની ભરતી બહાર પાડવામાં આવનાર છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ષ 2022 માં 1680 અને વર્ષ 2023 માં 1246 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી હતી.

નવેમ્બર 2023 પછી મંડળ દ્વારા રાજ્ય સરકારના વિવિધ વિભાગોની વિવિધ સંવર્ગોની બહાર પાડવામા આવેલી જગ્યાઓની ભરતી પ્રક્રિયા અંતિમ તબક્કા છે જે બનતી ત્વરાએ એટલે કે બને તેટલું જલ્દી પૂર્ણ કરવામાં આવશે તેમ મંત્રીએ જણાવ્યું હતુ. સ્પર્ધાત્મક પરીક્ષા સંદર્ભે ગેરરિતી આચરતા લોકો સામે સખત કાર્યવાહી થાય તે માટે કડક કાયદો લાવ્યા છીએ તેમ મંત્રીએ જણાવ્યું હતુ. વિધાનસભામાં ગેનીબેનએ નર્મદા કેનાલનું કેટલું કામ થયું? તે અંગે સવાલ કર્યો હતો.

વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરના સવાલના જવાબમાં રાજ્ય સરકારે નર્મદા કેનાલના કામોના આંકડા જાહેર કર્યા છે. એક વર્ષમાં નર્મદાના કેનાલ થયેલા કામ અને બાકી રહેલા કામની વિગતો સામે આવી છે. સૌ પ્રથમ કેનાલના થયેલા કામની વાત કરીએ તો એક વર્ષમા 0.29 શાખા નહેરનું કામ થયું છે. ઉપરાંત 14.29 કિમીની વિશાખા નહેરનું કામ પૂર્ણ થયું છે. એક વર્ષમા 64.82 કીમી પ્રશાખા નહેરનું કામ થયુ છે. તો બીજી તરફ હજુ પણ હજુ પણ શાખા નહેરનું 0.64 કિમી કામ બાકી છે. વિશાખા નેહરનું 157.39 કિમી કામ હજુ બાકી છે. જ્યારે પ્રશાખા નહેરનું 1006.02 કિમીનું કાર્ય પૂર્ણ નથી થયું. સરકારના મતે જમીન સંપાદન, રેલ્વે ક્રોસીંગ, ગેસ-ઓઈલ પાઈપલાઈન અને વિભાગોની મંજૂરીના અભાવે કામો બાકી રહ્યા છે.

error: Content is protected !!