શુક્રવારની નમાઝ પહેલા વારાણસી શહેરમાં સુરક્ષા વધારી દેવાઈ

વારાણસીમાં જ્ઞાનવાપી સંકુલના ભોંયરામાં ગુરુવારે પૂજા શરૂ થઈ હતી. કોર્ટના આદેશ બાદ આ પૂજા કરવામાં આવી હતી. આજથી હિન્દુ શ્રદ્ધાળુઓ પણ ભોંયરામાં જઈને દર્શન કરી શકશે. બીજી તરફ આજે શુક્રવારની નમાઝ છે. આવી સ્થિતિમાં સમગ્ર વારાણસી શહેરમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે. ગુરુવારે સવારે વ્યાસજીના ભોંયરામાં પૂજાનો પ્રારંભ થયો હતો અને સાંજે સામાન્ય ભક્તોએ મૂર્તિઓના દર્શન કરવાનું શરૂ કર્યું હતું.

આવી સ્થિતિમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે આજે શુક્રવારની નમાજ માટે મોટી ભીડ જ્ઞાનવાપીમાં આવી શકે છે. તમને જણાવી દઈએ કે વ્યાસજીના ભોંયરામાં પૂજા શરૂ થયા બાદ આજે પહેલીવાર બપોરે 1.30 કલાકે શુક્રવારની નમાઝ થશે. જ્ઞાનવાપી સમિતિએ શુક્રવારે પણ બંધનું એલાન આપ્યું છે. આ કોલને ધ્યાનમાં રાખીને પોલીસ અને પ્રશાસને સમગ્ર શહેરમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દીધી છે. પોલીસ ઉપરાંત પેરા મિલિટ્રીના જવાનોને પણ તૈનાત કરવામાં આવ્યા છે.

બીજી તરફ વ્યાસજીના ભોંયરામાં ગુરુવાર સાંજથી દર્શનાર્થીઓ ભોંયરામાં બહારથી મૂર્તિઓના દર્શન કરી રહ્યા છે. પ્રશાસન પાસેથી મળેલી માહિતી મુજબ શુક્રવારે ભોંયરામાં દર્શન માટે હિન્દુઓની મોટી ભીડ પણ એકઠી થઈ શકે છે. આ બધા વચ્ચે મુસ્લિમ પક્ષની અંજુમન ઈન્તજામિયા મસ્જિદ કમિટીએ શુક્રવારે વારાણસી બંધ રાખવાની અપીલ કરી છે. આજે મુસ્લિમ પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં બજારો બંધ રહી શકે છે.

આ ઉપરાંત અલ્હાબાદ હાઈકોર્ટ પણ શુક્રવારે બપોરે 12 વાગ્યે મુસ્લિમ પક્ષની અરજી પર સુનાવણી કરશે. મુસ્લિમ પક્ષે જિલ્લા કોર્ટના આદેશને પડકારતી હાઈકોર્ટમાં અરજી કરી છે. તમને જણાવી દઈએ કે હિંદુ પક્ષે અલ્હાબાદ હાઈકોર્ટમાં કેવિયેટ દાખલ કરી છે અને હાઈકોર્ટને અપીલ કરી છે કે જો મુસ્લિમ પક્ષની અરજી સાંભળવામાં આવે છે તો કોર્ટે હિંદુ પક્ષની દલીલો પણ સાંભળવી જોઈએ. એક પક્ષની અરજી પર સીધો આદેશ આપવાને બદલે હિન્દુ પક્ષને પોતાનો મત રજૂ કરવાની તક આપવી જોઈએ.

ઉલ્લેખનીય છે કે વ્યાસજીના ભોંયરામાં પૂજા કાર્યક્રમમાં ભાગ લેનાર વ્યાસ પરિવારના સભ્ય જિતેન્દ્ર નાથ વ્યાસે ગુરુવારે ખાનગી ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે અયોધ્યા સ્થિત નવનિર્મિત મંદિરમાં રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાના મુહુર્ત કાઢનાર ગણેશ્વર દ્રવિડની આગેવાનીમાં મોડી રાત્રે કાશી વિશ્વનાથ મંદિરના પૂજારીએ વ્યાસજીના ભોંયરામાં પૂજા કરી હતી. આ દરમિયાન જિલ્લા મેજિસ્ટ્રેટ એસ રાજલિંગમ, ડિવિઝનલ કમિશનર કૌશલ રાજ શર્મા, પોલીસ કમિશનર અશોક મુથા જૈન અને મંદિરના ઘણા ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા.

વ્યાસે જણાવ્યું હતું કે કાશી વિશ્વનાથ ટ્રસ્ટના કર્મચારીઓએ પહેલા ભોંયરાની અંદર સફાઈ અને શુદ્ધિકરણ કર્યું અને પછી આચાર્ય ગણેશ્વર દ્રવિડે કલશ સ્થાપિત કર્યો હતો. ત્યારબાદ મંત્રોચ્ચાર કરીને ગૌરી-ગણેશ આરતી કરવામાં આવી હતી અને તમામ દેવી-દેવતાઓનું સ્મરણ કરી પૂજા-અર્ચના કરવામાં આવી હતી, નૈવેદ્ય, ફળ અર્પણ કરવામાં આવ્યા હતા અને અન્નકૂટ અર્પણ કરીને આરતીનું સમાપન કરવામાં આવ્યું હતું. વ્યાસે જણાવ્યું કે પૂજાનો કાર્યક્રમ લગભગ 40 મિનિટ સુધી ચાલ્યો હતો.

 

error: Content is protected !!