ત્રણ મહિના પહેલા મહેસાણાના જોટાણા તાલુકાની શિક્ષિકા ભામિની પટેલને શ્રેષ્ઠ શિક્ષિકા તરીકેનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. શિક્ષિકાને એવોર્ડ સાથે જ 5 હજાર રુપિયાનું પ્રોત્સાહન ઇનામ પણ આપવામાં આવ્યુ હતુ. તેઓને આ રકમનો ચેક આપવામાં આવ્યો હતો. પરંતુ આ ચેક જ બેંકમાંથી પાસ થઈ રહ્યો નથી. હવે આ ઇનામ મેળવવા માટે ધક્કા ખાવા પડી રહ્યા છે.
માંકણજ અનુપમ પ્રાથમિક શાળાના શિક્ષિકા ભામિની પટેલને અપાયેલ ચેકની રકમતો પોતાના ખાતામાં જમા ના થઈ પરંતુ હવે હડધૂધ થવાનો વારો આવ્યો છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીના ક્લાર્કે તો વળી ભામિની પટેલને યોગ્ય માર્ગદર્શન કે જવાબ આપવાને બદલે તેમને હડધૂત કરતા જવાબ આપી દીધા હતા. હવે શિક્ષિકાને સ્વાભાવિક જ સ્વમાન ઘવાયા જેવો અહેસાસ થઈ રહ્યો છે. શ્રેષ્ઠ શિક્ષણ આપવાનો પ્રયાસ અને જેના ફળ રુપે મળેલું ઇનામ મેળવવા જતા સરકારી કર્મચારીઓ જ શિક્ષિકાને કડવો અનુભવ કરાવી રહ્યા છે.