સુરતથી એક મોટા સમાચાર મળી રહ્યા છે. સુરત શહેરમાં ડુમ્મસ રોડ પર આવેલા VR મોલને બ્લાસ્ટ કરવાનો ધમકી ભર્યો મેઈલ મળ્યો છે. ધમકીની સૂચના બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો છે. મેઈલ મળતા જ તાત્કાલિક મોલ ખાલી કરવા માટે સૂચના અપાઈ છે. મોલ મેનેજમેન્ટે કર્મચારીઓને બહાર નીકળવાની સૂચના આપી છે. અફરાતફરી વચ્ચે કેટલાક લોકો નીચે પડ્યા હતા. જેને લઈને તેમને ઈજા પહોંચી છે. આ ધમકી ભર્યો મેઈલ આવતા જ ઉમરા પોલીસનો કાફલો, ડોગ સ્ક્વૉડ, બોમ્બ સ્ક્વૉડ સહિતની ટીમ મોલ ખાતે દોડી આવી છે. સુરત પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ મોલ પર આવી પહોંચ્યા છે.
સુરતના VR મોલને ઈ-મેઈલ આવ્યો છે. જેમાં લખ્યું છે કે, ‘જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે.’. મહત્વનું છે કે, દેશમાં કુલ 52 જગ્યાઓ પર આ પ્રકારના મેઈલ આવ્યા છે. ધમકી બાદથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
પોલીસ અધિકારીએ આ અંગે કહ્યું કે, ‘VR મોલમાં એક મેઈલ આવેલો છે કે VRમાં કોઈ બોમ્બ મુકવામાં આવેલો છે, જે મોર્નિંગમાં બ્લાસ્ટ થશે. પોલીસની ટીમ, એસઓજી ક્રાઈમ, ડોગ સ્ક્વૉડ સહિતની ટીમ તપાસ થઈ રહી છે. હાલ મોલ ખાલી કરવાનું અને ચેક કરવાનું ચાલી રહ્યું છે. અમારી તમામ ટીમો ચેકિંગ કરી રહી છે.’
જોકે સુરતના ડુમસ રોડ આવેલા વીઆર મોલની અંદર બોમ્બ મુકાયાનો મેઈલ મળતાં સુરત પોલીસ દોડતી થઈ હતી. પરંતુ 3 થી 4 કલાકની તપાસ બાદ મોલમાં બોમ્બ મુકવાનો મેઈલ આફવા સાબિત થયો છે. આ મામલે પોલીસ અધિકારીએ જણાવ્યું કે, મોલમાં બોમ્બ હોવાનો ઈમેઈલ ખોટો સાબિત થયો છે.
આ અંગેની માહિતી આપતાં સુરત ડીસીપી વિજયસિંહે જણાવ્યું કે, મોલમાં બોમ્બ હોવાનો ઈમેઈલ ખોટો સાબિત થયો છે. ધમકીભર્યો ઈમેઈલ આજે સવારે મોલના ID પર મળ્યો હતો. મોલના મેનેજમેન્ટના ધ્યાને ઈમેઈલ બપોરે આવ્યો હતો. 55 થી વધુ સ્થળોએ ધમકીભર્યા ઈમેઈલ કરવામાં આવ્યા છે. જેના અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.