ઓડિશામાં રોડ અકસ્માતની એક મોટી ઘટના બની હતી જેમાં એકદમ સ્પીડમાં આવતી સ્કોર્પિયોએ બે બાઇક અને એક ઓટોને જોરથી ટક્કર મારી હતી, જેના કારણે ઘટનાસ્થળ પર જ 7 લોકોના મોત થયા હતા. અકસ્માતનો એક વીડિયો પણ વાઇરલ થયો છે, જેમાં સ્કોર્પિયો ઓવરટેક કરવાનો પ્રયાસ કરતી વખતે બેકાબૂ થઈ ગઈ હતી. પોલીસે મૃતદેહોનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા હતા.
છત્તીસગઢની બસ્તર સરહદ પાસે ઓડિશાના બોરીગુમા વિસ્તારમાં અકસ્માત થયો હતો. જ્યાં એક સ્કોર્પિયો જગદલપુરથી ઓડિશા જઈ રહી હતી. તે દરમિયાન સિંગલ લેન રોડ પર સ્કોર્પિયો ઓવરટેક કરવાની કોશિશ કરી રહી હતી તે સમયે પહેલા સામેથી આવી રહેલા બાઇકને ટક્કર મારી હતી. ત્યારબાદ એક ઓટો સાથે અથડાઈ અને ફરી પાછી અન્ય એક બાઇક સાથે પણ અથડાઈ હતી.અકસ્માત બાદ સ્કોર્પિયો બાજુમાં આવેલા ખેતરમાં ઘૂસી ગઈ હતી. જ્યારે ઓટોને ટક્કર વાગતા તે પલટી થઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં 3 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે ચાર લોકોના હોસ્પિટલમાં મોત થયા હતા. ઓટોમાં કુલ 15 મુસાફરો હતા. અકસ્માત બાદ સ્કોર્પિયોમાં સવાર તમામ 5 લોકો નાસી છૂટ્યા હતા.
સ્થાનિક લોકો પાસેથી મળેલી માહિતીના આધારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને છત્તીસગઢ નંબર પ્લેટવાળી સ્કોર્પિયો જપ્ત કરી હતી. હાલમાં નંબર પ્લેટના આધારે પોલીસ વાહન માલિકની શોધખોળ કરી રહી છે.તેમજ પોલીસ કર્મચારીઓએ સ્થાનિક લોકોની મદદથી ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. આ અકસ્માત સીસીટીવીમાં પણ કેદ થયો છે, જેમાં સ્પષ્ટ દેખાય છે કે આ સમગ્ર અકસ્માત માત્ર ઓવરટેક કરવા જતા થયો હતો.