ગુજરાતના સાબરકાંઠા જિલ્લાથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. હિંમતનગર સબ જેલમાં બંધ 24 વર્ષીય અંડરટ્રાયલ કેદીએ બેરેકના શૌચાલયમાં ગળાફાંસો ખાધો હતો. કેદી પર સગીરા પર દુષ્કર્મનો આરોપ હતો. પોલીસે આ મામલે જાણકારી આપતાં જણાવ્યું કે, ઘટના શનિવારે સવારે બની હતી અને હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનની ડાયરીમાં તેની નોંધ કરવામાં આવી હતી.
હિંમતનગર ડિસ્ટ્રીક્ટ જેલના સુપ્રિન્ટેન્ડેન્ટ જે જી ચાવડાએ કહ્યું, શનિવારે સવારે જેલમાં કેદીઓ નાસ્તાની લાઇનમાં ઉભા હતા ત્યારે કેદી વિપુલ માથાસુળિયાએ બેરેકના પહેલા માળે આવેલા શૌચાલયના વેંટિલેટર સાથે દોરી બાંધીને ફાંસી લગાવી હતી.
દુષ્કર્મનો લાગ્યો હતો આરોપ : આત્મહત્યા કરનારા આરોપી વિપુલ માથાસુળિયા પર એક સગીરા સાથે દુષ્કર્મનો આરોપ લાગ્યો હતો. તેના પર પૉક્સો અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ અંગે જેલ સુપ્રિન્ટેન્ડેન્ટે જણાવ્યું કે, તે જુલાઈથી સબ જેલમાં બંધ હતો.તેમણે જણાવ્યું કે, કેદીએ આ પગલું કેમ ભર્યું તે જાણી શકાયું નથી. મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે અમદાવાદ મોકલવામાં આવ્યો છે અને અકસ્માતે મોતનો ગુનો નોંધવામાં આવ્યો છે.