ગુજરાતમાં ભારે વરસાદને લઇને વધુ 25 લોકોએ જીવ ગુમાવ્યા, 17,800 લોકોને પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા

ગુજરાતમાં ભારે વરસાદને લઇને વધુ 25 લોકોએ જીવ ગુમાવ્યા છે. મીડિયા અહેવાલ અનુસાર સોમવારથી અત્યાર સુધી કુલ મૃત્યુઆંક 35 પર પહોંચ્યો છે. બુધવારે સતત ચોથા દિવસે રાજ્યના ભાગોમાં ભારે વરસાદ પડતાં 17,800 લોકોને પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

પીએમ મોદીએ સીએમ સાથે ફોન પર માહિતી મેળવી : રાજ્યના અનેક જિલ્લાઓમાં પૂરમાં ફસાયેલા લોકોની રાહત અને બચાવ કામગીરી એનડીઆરએફ , એસડીઆરએફ, આર્મી, ઈન્ડિયન એર ફોર્સ અને ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા કરવામાં આવી રહી છે. આ દરમ્યાન ગુજરાતના સર્જાયેલી પૂરની સ્થિતિની સમીક્ષા કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ફોન કરી માહિતી મેળવી હતી. તેમજ કોઇપણ સ્થિતીને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકારના સમર્થનની ખાતરી આપી હતી.

ભારે વરસાદથી લોકો મુશ્કેલીમાં મુકાયા : ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં દ્વારકા, જામનગર અને કચ્છ જિલ્લામાં ભારે વરસાદથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે. જેમાં દ્વારકાના ભાણવડમાં સૌથી વધુ 12 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે કચ્છના અબડાસામાં 11 ઈંચ વરસાદ વરસ્યો છે. દ્વારકાના કલ્યાણપુરમાં 10.5 ઈંચ વરસાદ વરસ્યો છે. કચ્છના લખપતમાં 9 ઈંચ વરસાદ વરસ્યો છે.

દ્વારકાના ખંભાળિયામાં 9 ઈંચ વરસાદ ખાબક્યો છે. જામજોધપુરમાં 9 ઈંચ, દ્વારકામાં 8.5 ઈંચ, કચ્છના નખત્રાણામાં 8 ઈંચ, માંડવીમાં 7.2 ઈંચ, જામનગરના કાલાવડમાં 6.9 ઈંચ, જામનગરના લાલપુરમાં 7.2 ઈંચ, 9 તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે રાજ્યમાં 9 તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ, 8 તાલુકામાં 2 ઈંચથી વધુ, 35 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરે જણાવ્યું હતું કે મંગળવારે 15 લોકોના મોત થયા હતા, જ્યારે બુધવારે ચાર મૃત્યુ નોંધાયા હતા. જેમાં મોરબીમાં ચાર અને રાજકોટમાં બે લોકોના મૃત્યુ થયા છે.

error: Content is protected !!