ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી ગાંધીનગર (IITGN) 13 માર્ચ, 2024ના રોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે વર્ચ્યુઅલ વાર્તાલાપમાં ભાગ લેવા માટે તૈયાર છે. આ વાર્તાલાપ ભારતના સેમિકન્ડક્ટર મિશન અને તે શૈક્ષણિક સંસ્થાઓ માટે રજૂ કરતી વિવિધ તકો પર ધ્યાન કેન્દ્રિત કરશે. પ્રધાનમંત્રીની વર્ચ્યુઅલ વાતચીત પહેલા, IIT ગાંધીનગર સવારે 9.30 – 10.30 AM દરમિયાન ‘ભારતના સેમિકન્ડક્ટર મિશનની પ્રાસંગિકતા, અને શૈક્ષણિક સંસ્થાઓ માટેની તકો’ પર એક વર્કશોપનું આયોજન કરશે જેને ઉદ્યોગના અને શૈક્ષણિક ક્ષેત્રના પ્રતિષ્ઠિત નિષ્ણાતો દ્વારા સંબોધવામાં આવશે.
આ કાર્યક્રમમાં દેશભરની અનેક ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓની ભાગીદારી જોવા મળશે. વધુમાં, 500થી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્ટાફ IITGN તરફથી કાર્યક્રમમાં જોડાશે. પ્રધાનમંત્રીનું સંબોધન ભારતના સેમિકન્ડક્ટર મિશનના મહત્વ અને ભાવિ માર્ગ અને આ ક્ષેત્રમાં શૈક્ષણિક સંસ્થાઓની નિર્ણાયક ભૂમિકાને પ્રકાશિત કરશે. ઈન્ડિયા સેમિકન્ડક્ટર મિશનનો હેતુ દેશમાં સેમિકન્ડક્ટર્સ અને ડિસ્પ્લે મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી અને સેમિકન્ડક્ટર ડિઝાઈન ઈકોસિસ્ટમ વિકસાવવા માટે એક વ્યાપક વ્યૂહરચના વિકસાવવાનો છે. આ મિશન શૈક્ષણિક સંસ્થાઓ, સરકારી વિભાગો અને અન્ય એજન્સીઓ સાથે મળીને આ વ્યૂહરચનાઓ વિકસાવવાની યોજના ધરાવે છે.