ભીવંડીથી ભુજ આવતો 9 ટન એક્સપાયરી લોટનો જથ્થો ઝડપાયો, બેની ધરપકડ

ભુજ: મહારાષ્ટ્રના ભીવંડીથી કચ્છના ભુજ તરફ લવાઈ રહેલો અંદાજે 9 ટન એક્સપાયરી થઈ ગયેલો અખાદ્ય લોટનો જથ્થો મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન (FDA)એ ઝડપી પાડ્યો છે. માનવ સ્વાસ્થ્ય માટે જોખમી ગણાતા આ જથ્થાની કિંમત અંદાજે રૂ. 5.18 લાખ હોવાનું જણાવાયું છે. આ મામલે ભુજના ટ્રક ચાલક સહિત બે વ્યક્તિઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, ભીવંડી વિસ્તારમાંથી એક્સપાયરી થયેલો લોટ અન્ય રાજ્યમાં મોકલવામાં આવવાનો હોવાની ચોક્કસ બાતમીના આધારે મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના મદદનીશ કમિશનર સંતોષ સરોસિયા અને તેમની ટીમે વોચ ગોઠવી હતી. દરમિયાન ગુજરાત પાસિંગની ટ્રક નંબર GJ-39-TA-6827ને અટકાવી તપાસ કરતાં તેમાં વિવિધ બ્રાન્ડના પેકિંગમાં ભરાયેલો 9 ટન એક્સપાયરી લોટ મળી આવ્યો હતો.

આ મામલે ટ્રક ચાલક ફારૂક જુસબ ખલીફા (રહે. ભુજ, કચ્છ) તથા ભીવંડીના ફરહાન મુકિમ અન્સારીની ધરપકડ કરવામાં આવી છે. બંને સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.પ્રાથમિક તપાસમાં એવી શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ અખાદ્ય લોટને સસ્તા ભાવે વેચવા અથવા પ્રોસેસિંગ બાદ બજારમાં ખપાવવાનો પ્રયાસ થતો હતો. જોકે આ અંગે હજુ તપાસ ચાલુ હોવાથી સત્તાવાર રીતે કોઈ નિષ્કર્ષ જાહેર કરવામાં આવ્યો નથી.તપાસ એ દિશામાં પણ આગળ વધી રહી છે કે આ જથ્થો ભુજમાં કોના સુધી પહોંચાડવાનો હતો તેમજ આ પ્રકારની પ્રવૃત્તિ પાછળ કોઈ સંગઠિત નેટવર્ક કાર્યરત છે કે નહીં. મહારાષ્ટ્ર અને ગુજરાતની સંબંધિત એજન્સીઓ સંકલન સાથે સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે.

error: Content is protected !!