વિચિત્ર અકસ્માત : ટેમ્પો પાછળ વેગેનાર, વરના કાર અને ઇનોવા સહિતની કાર અથડાઈ

સુરત શહેરના ભટાર ચાર રસ્તા નજીક ટેમ્પો ચાલકે અચાનક ટર્ન લેતા એક સાથે 4 કાર એક પછી એક અથડાઈ ગઈ હતી. મોડી રાત્રે સર્જાયેલા ગંભીર અકસ્માતમાં કોઈ જાનહાનિ ન હતી. જોકે ટ્રાફિક જામ થઈ જતા પોલીસ દોડતી થઈ ગઈ હતી.

પોલીસે જણાવ્યું હતું કે, ઘટના ઉધના-મગદલ્લા રોડ ઉપર નવજીવન સર્કલ તરફથી બ્રેડ લાઇનર સર્કલ તરફ જતા ભટાર ચાર રસ્તા પાસે બ્રિજ પહેલા બની હતી. એક થ્રી-વ્હીલ ટેમ્પો ચાલક બ્રિજ ઉપર ચડતી વખતે અચાનક સર્વિસ રોડ તરફ ટર્ન લઈ લેતા અન્ય વાહન ચાલકો આશ્ચર્યમાં પડી ગયા હતા. જેને પગલે પાછળથી આવતી ઉપરા ઉપરી 4 કાર એક પાછળ એક અથડાઈ ગઈ હતી. અકસ્માત બાદ ચાલક ટેમ્પો લઈને ભાગી ગયો હતો. આ વિચિત્ર અકસ્માતમાં ટેમ્પો પાછળ વેગેનાર, વરના કાર અને ઇનોવા સહિતની કાર અથડાઈ હતી.

વધુમાં જણાવ્યું હતું કે, અકસ્માત બાદ વરના કારના બન્ને બલૂન ખુલી ગયા હતા. જોકે આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ ન હતી. પરંતુ તમામ વાહનોને ભારે નુકશાન થયું હતું. ઘટના પગલે ખટોદરા પોલીસ સ્થળે દોડી આવી હતી અને ટ્રાફિક ઉપર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઇએ પણ ફરિયાદ ન આપતા પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.

error: Content is protected !!