હવે વિશ્વ ભારતની મહિલા શક્તિની તાકાત જોશે. સાઉદી અરેબિયાના રિયાધમાં યોજાનારા વર્લ્ડ ડિફેન્સ શો 2024માં ભાગ લેવા માટે ભારતથી મહિલા અધિકારીઓનું ત્રણ સભ્યોનું પ્રતિનિધિમંડળ સાઉદી અરેબિયા મોકલવામાં આવ્યું છે. આ ત્રણેય મહિલાઓ સેનામાં ફ્રન્ટલાઈન ભૂમિકા ભજવે છે.
સાઉદી અરેબિયામાં 8 ફેબ્રુઆરી દરમિયાન યોજાનાર ડિફેન્સ શોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનારી ત્રણ મહિલા અધિકારીઓમાં એક મહિલા ફાઈટર પાઈલટ, બીજી કોમ્બેટ એન્જિનિયર અને ત્રીજી યુદ્ધ જહાજ પર કામ કરી રહી છે. તેમના નામ છે સ્ક્વોડ્રન લીડર ભાવના કંથ, કર્નલ પોનુંગ ડોમિંગ, ભારતીય નૌકાદળના લેફ્ટનન્ટ કમાન્ડર અન્નુ પ્રકાશ. આયોજકો કહે છે કે રિયાધમાં આ શો વિશ્વ સંરક્ષણ ઉદ્યોગ માટે ભાગીદારી, જ્ઞાન વહેંચવા અને તમામ સંરક્ષણ ક્ષેત્રોમાં નવા વિચારો અને ક્ષમતાઓનું અન્વેષણ કરવા માટે એક અનન્ય પ્લેટફોર્મ પૂરું પાડશે. જેમાં ટોચના સૈન્ય નેતાઓ, સરકારી અધિકારીઓ અને સંરક્ષણ ઉદ્યોગના કેપ્ટન ભાગ લઈ રહ્યા છે.
તમને જણાવી દઈએ કે સ્ક્વોડ્રન લીડર ભાવના કંથ હાલમાં સુખોઈ-30 ફાઈટર જેટ ઉડાવે છે. તે 2016માં ભારતીય વાયુસેનામાં ફાઈટર પાઈલટ તરીકે જોડાનાર પ્રથમ ત્રણ મહિલાઓમાંની એક છે. કંથ 7 ફેબ્રુઆરીએ ‘ઇન્ક્લુઝિવ ફ્યુચરમાં રોકાણ’ પર પેનલ ચર્ચામાં ભાગ લેશે. જે લિંગ વિવિધતા અને સંરક્ષણ ક્ષેત્રે તમામ સ્તરે મહિલાઓના પ્રતિનિધિત્વ પર ધ્યાન કેન્દ્રિત કરશે. કંથની પેનલમાં સાઉદી સંરક્ષણ મંત્રાલયમાં સશસ્ત્ર દળો, શિક્ષણ અને તાલીમ સત્તામંડળના વડા મેજર જનરલ અદેલ અલ-બાલાવી અને યુકે રોયલ એરફોર્સના એર માર્શલ ME સેમ્પસનનો સમાવેશ થાય છે.
યુએસમાં સાઉદી અરેબિયાના રાજદૂત રીમા બંદર અલ સાઉદ શોમાં ‘ઇન્ટરનેશનલ વુમન ઇન ડિફેન્સ’ કાર્યક્રમનું નેતૃત્વ કરશે. કર્નલ પોનુંગ ડોમિંગ લદ્દાખના સંવેદનશીલ વિસ્તાર ડેમચોક સેક્ટરમાં ખૂબ ઊંચાઈ પર રોડ બનાવી રહ્યા છે. જે નિયંત્રણ રેખાથી માત્ર 3 કિમી દૂર છે. તેમનું યુનિટ પૂર્વી લદ્દાખમાં એલએસી નજીકના લેન્ડિંગ ગ્રાઉન્ડને લડાઇ કામગીરી માટેના બેઝમાં અપગ્રેડ કરવાના મહત્વપૂર્ણ પ્રોજેક્ટનું પણ નેતૃત્વ કરી રહ્યું છે. આ સાથે, લેફ્ટનન્ટ કમાન્ડર અન્નુ પ્રકાશ નૌકાદળની પ્રથમ મહિલા અધિકારીઓમાંની એક છે જે ફ્રન્ટ લાઇન ડિસ્ટ્રોયર, INS કોચી પર સેવા આપી રહી છે.
27 જાન્યુઆરીના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે વિશ્વ જોઈ રહ્યું છે કે ભારતની મહિલા શક્તિ દરેક ક્ષેત્રમાં પોતાની ક્ષમતા સાબિત કરી રહી છે અને વિશ્વમાં એક ઉદાહરણ સ્થાપિત કરી રહી છે. નોંધનીય છે કે 26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસના અવસરે મહિલા અગ્નિશામકોએ પ્રથમ વખત પરેડમાં ભાગ લીધો હતો. આ ઉપરાંત છ ફાઈટર પાઈલટ સહિત 15 મહિલા પાઈલટ પણ આ શાનદાર ફ્લાયપાસ્ટનો ભાગ હતી. જેણે રાફેલ, સુખોઈ-30 અને હેલિકોપ્ટર ઉડાવીને સૌને ચોંકાવી દીધા હતા.