વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના યોગદાનની પ્રશંસા કરી છે અને કહ્યું કે જ્યારે પણ લોકશાહીની ચર્ચા થશે ત્યારે ડૉ. મનમોહન સિંહના યોગદાનને યાદ કરવામાં આવશે. રાજ્યસભામાંથી નિવૃત્ત થઈ રહેલા સંસદ સભ્યોની વિદાય પ્રસંગે ઉપલા ગૃહને સંબોધિત કરતા વડા પ્રધાન મોદીએ, ડૉ. મનમોહન સિંહની શારીરિક માંદગી છતાં ગૃહની કાર્યવાહીમાં તેમની ભાગીદારી સુનિશ્ચિત કરવા બદલ મનમોહન સિંહની પ્રશંસા કરી અને તેમના લાંબા આયુષ્યની પણ કામના કરી.
મનમોહન સિંહ સહિત ઉપલા ગૃહના 68 સભ્યો ફેબ્રુઆરી અને મે વચ્ચે નિવૃત્ત થઈ રહ્યા છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ અવસર પર તેઓ ખાસ કરીને ડૉ.મનમોહન સિંહને યાદ કરશે. તેમણે કહ્યું કે મનમોહન સિંહ આ ગૃહના છ વખત સભ્ય રહ્યાં હતા. તેઓ પોતાના મૂલ્યવાન વિચારોથી ગૃહની ચર્ચાઓને સમૃદ્ધ કરતા રહ્યા. તેમણે ગૃહના નેતા અને વિપક્ષના નેતા તરીકે પણ મોટું યોગદાન આપ્યું છે. મોદીએ કહ્યું કે વૈચારિક મતભેદોને કારણે ક્યારેક ચર્ચા દરમિયાન રકઝક થાય છે, પરંતુ તેમના યોગદાનને ભૂલી ન શકાય. તેમણે આટલા લાંબા સમય સુધી આ ગૃહ અને આ દેશને જે રીતે માર્ગદર્શન આપ્યું છે.
જ્યારે પણ દેશના લોકતંત્રની ચર્ચા કરવામાં આવશે ત્યારે કેટલાક સંસદ સભ્યોની ચર્ચા જરૂર થશે. તેમાં ડો. મનમોહન સિંહના યોગદાનની ચોક્કસપણે ચર્ચા કરવામાં આવશે.વડા પ્રધાને કહ્યું કે આ ગૃહમાં આવનાર દરેક સભ્ય, પછી ભલે તે કોઈપણ પક્ષનો હોય, તેમના કાર્યકાળ દરમિયાન તેમની પ્રતિભા અને વર્તન ચોક્કસપણે દર્શાવે છે. તેમણે કહ્યું કે આવા સભ્યોના ગાઈડ તરીકેના કાર્યકાળમાંથી શીખવાનો પ્રયાસ કરવો જોઈએ. ગૃહ અને વિવિધ સમિતિઓમાં મતદાનના પ્રસંગોએ મનમોહન સિંહની સહભાગિતાને યાદ કરતાં મોદીએ કહ્યું કે તેઓ આ પ્રસંગોએ પણ વ્હીલચેરમાં આવ્યા હતા અને લોકશાહી તરફ સહભાગિતા સુનિશ્ચિત કરી હતી.
તેમણે કહ્યું કે દરેકને ખબર હતી કે શાસક પક્ષ જીતવા જઈ રહ્યો છે પરંતુ ડૉ. મનમોહન સિંહ જી વ્હીલચેરમાં આવ્યા અને મતદાન કર્યું. એક સાંસદ પોતાની જવાબદારીઓ પ્રત્યે કેટલા સભાન છે તેનું તેઓ જીવંત ઉદાહરણ છે. આટલું જ નહીં, જ્યારે પણ કમિટીના સભ્યોની ચૂંટણી હતી ત્યારે પણ તેઓ વ્હીલચેર પર મતદાન કરવા આવતા હતા. સવાલ એ નથી કે તેઓ કોને સત્તા આપવા આવ્યા પણ લોકતંત્રને ધબકતુ રાખવા તેમણે એક સાંસદ તરીકેની ફરજ પૂર્ણ કરી. પીએમ મોદીએ મનમોહન સિંહના લાંબા આયુષ્યની શુભેચ્છા પાઠવી અને કહ્યું કે તેઓ અમને માર્ગદર્શન અને પ્રેરણા આપતા રહે.