દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયત્નોથી આપણી ભારતીય સંસ્કૃતિની દેન ‘યોગ’ને વિશ્વ ફલક સુધી પહોંચાડી ૨૧ મી જૂનને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ તરીકે માન્યતા મળી છે. સમગ્ર વિશ્વએ સ્વીકાર્યુ છે કે યોગ થકી શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની સાથે સાથે એક સારા સમાજનું નિર્માણ થાય છે.
યોગના આ કાર્યને આગળ વધારવા માટે રાજ્ય સરકાર દ્વારા યોગને પ્રોત્સાહન આપવા અને યોગનો પ્રચાર – પ્રસાર થાય તથા જન જન સુધી યોગ પહોંચે, નાગરિકો યોગમાં રસ લઇ શારીરિક- માનસિક રીતે વધુ મજબૂત બની નિરોગી રહે તેવા શુભ આશયથી સમગ્ર દેશમાં સૌ પ્રથમ નિર્ણય લઈ રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડની રચના કરવામાં આવી હતી. જેના ઉપક્રમે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુરના સંયુક્ત ઉપક્રમે શ્રીમદ રાજચંદ્ર આશ્રમ, ધરમપુર વલસાડ ખાતે
“ત્રિ દિવસીય નિવાસી યોગ કોચ તાલીમ શિબિરનું આયોજન કરાયું હતું. આ શિબિરમાં ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી ૪૫૦થી વધુ યોગ કોચએ ભાગ લીધો. આ શિબિરનો ઉદેશ્ય યોગ કોચને તાલીમ આપી તેઓની કાર્યક્ષમતા વધારી સમગ્ર ગુજરાતના ગામે ગામ સુધી યોગ વર્ગો ચાલુ કરાવી અને “યોગનો અમૃતકાળ” બનાવવાનો છે. આ રીતે, ગુજરાતનો એક પણ વ્યક્તિ યોગથી વંચિત ન રહે તેમાં યોગ કોચ મહત્વની ભૂમિકા ભજવશે.
ત્રિ દિવસીય નિવાસી યોગ કોચ તાલિમ શિબિરમાં યોગ કોચને યોગની સિદ્ધિઓ, યોગનું વિજ્ઞાન, યોગની સામાજિક ભૂમિકા, યોગની આરોગ્યવર્ધક અસર, યોગની આધ્યાત્મિક ઉન્નતિ, યોગ અંગેનું શાળા શિક્ષણ, યોગની વ્યાવસાયિક સંભાવનાઓ વગેરે વિષયો પર અલગ અલગ યોગના નિષ્ણાતો દ્વારા વ્યાપક જ્ઞાન આપવામાં આવ્યું હતું. સાથોસાથ યોગમાં વિપુલ જ્ઞાન ધરાવતા ગુજરાત સરકારના મુખ્યમંત્રીશ્રીના મુખ્ય સલાહકાર શ્રી હસમુખ અઢીયાએ પણ યોગ શિબિરમાં ઓનલાઈન જોડાઈ યોગ કોચને અમૂલ્ય જ્ઞાન આપ્યુ હતુ.
શિબિરમાં યોગ કોચને યોગના વિવિધ આસન, પ્રાણાયામ, ધ્યાન, શુદ્ધિ ક્રિયાઓ, મુદ્રાઓ, બંધો, યોગ નિદ્રા, યોગ થેરાપી વગેરેની પ્રક્રિયાઓ શીખવવામાં આવી હતી. આ ત્રિ દિવસીય નિવાસી યોગ કોચ તાલિમ શિબિરની સફળતાને પરિણામે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના અધ્યક્ષ શ્રી યોગસેવક શીશપાલજી, શ્રીમદ રાજચંદ્ર મિશન ઘરમપુરના યોગાધ્યક્ષ શ્રી આત્મર્પિત શ્રદ્ધાજી, નિષ્ણાતો અને આશ્રમના સભ્યો દ્વારા યોગકોચનું અભિવાદન કરવામાં આવ્યું હતું તેમ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.