તા.૧૦ માર્ચને રવિવારના રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ,ગાંધીનગર દ્વારા રાજ્યભરમાં યોજાનારી વર્ક આસિસ્ટન્ટની પરીક્ષા સુરત જિલ્લામાં કુલ ૫ કેન્દ્રો પર યોજાનાર છે. જેથી પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને કોઈ ખલેલ ના પહોંચે અને શાંતિમય વાતાવરણ જળવાય રહે એ માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી વિજય રબારીએ પરીક્ષાના સમયગાળા દરમિયાન પરીક્ષા કેન્દ્રોથી ૧૦૦ મીટરના વિસ્તારમાં કેટલાક પ્રતિબંધો મૂક્યા છે. જે મુજબ પરીક્ષા કેન્દ્રની ૧૦૦ મીટરની ત્રિજ્યા અંદર ચાર કરતા વધુ વ્યક્તિઓને એકત્ર થવા, સભા ભરવા કે સરઘસ કાઢવા ઉપર, ઝેરોક્ષ સેન્ટર ચાલુ રાખવા પર. વાહનો ઉભા રાખવા પર, પરીક્ષા કેન્દ્રના બિલ્ડીંગમાં કોઈપણ પરીક્ષાર્થી તેમજ પરીક્ષા સાથે સંકળાયેલ કોઈપણ કર્મચારીઓ(સરકારી પ્રતિનિધિ સિવાય) મોબાઈલ ફોન, ઈલેકટ્રોનિક્સ ડિવાઈસ અથવા કોમ્યુનિકેશન ડિવાઈસ કે સિસ્ટમ રાખવા/લાવવા લઈ જવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ હુકમ લગ્નના વરઘોડા, સિનેમા, ટાઉન હોલ, સ્મશાન યાત્રા કે પરીક્ષામાં ફરજ ઉપર હોય તેવી વ્યક્તિઓને તથા પ્રાર્થના માટે જતી બોનાફાઇડ વ્યક્તિ અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની પરવાનગી મેળવનારને લાગુ પડશે નહીં. આ હુકમનો અમલ તા.૧૦/૩/૨૦૨૪ના રોજ કરાશે અને તેનો ભંગ કરનાર સજાને પાત્ર ગણાશે.
