ગાંધીનગર શહેરમાં ચાલી રહેલાં વિકાસના કાર્યોને લઈને તંત્ર દ્વારા સમયાંતરે રોડ બંધ કરીને ડાયવર્ઝન આપવાની કામગીરી હાથ ધરવામાં આવે છે, ત્યારે શહેરમાં વધુ એક સ્થળે આગામી દિવસોમાં વાહન વ્યવહાર અટકાવીને વિકાસ કાર્યો હાથ ધરવા માટે જિલ્લા તંત્ર દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. સેક્ટર 22 ખાતે આવેલાં પંચદેવ મંદિરથી સેક્ટર 21 તરફ જવાનો રોડ તેમજ ચ-5 થી ચ-6 સુધીનો એક તરફનો રોડ આગામી 15 એપ્રિલ થી 10 સપ્ટેમ્બર 2024 સુધી બંધ રખાશે.
તાજેતરમાં જ મેટ્રોની કામગીરીના કારણે ઘ-5 થી ગ-5 સુધીનો રોડ બંધ કરીને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, ત્યારે સેક્ટર 22 પંચદેવ મંદિરથી 21 તરફ જતાં માર્ગ પર અંડરપાસનું નિર્માણ કરવામાં આવનાર હોવાથી વાહનચાલકોની સુરક્ષા અને યોગ્ય ટ્રાફિક સંચાલન અર્થે ડાયવર્ઝન આપવાનું તંત્ર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. સુરક્ષાને ધ્યાને લઈને મહાપાલિકાને પ્રચલિત મુખ્ય ભાષાના સાઈન બોર્ડ પણ લગાવવા માટે સૂચના આપવામાં આવી છે, જો કે ઈમરજન્સીના સમયે આ જાહેરનામુ લાગુ નહીં પડે.