SC-STના તીર્થ ક્ષેત્રોના વિકાસ માટે છેલ્લા ત્રણ વર્ષમાં રૂ.૭૫ કરોડના ખર્ચે વિવિધ ૪૫ પ્રોજેક્ટ હાથ ધરાયા

ગુજરાત રાજ્યમાં અંબાજીથી ઉમરગામ સુધીના પૂર્વિ પટ્ટીમાં આવેલ આદિવાસી વિસ્તારોમાં અનુસૂચિત જન જાતિ-SCના આસ્થાના કેન્દ્ર સમાન એવા અનેક ધાર્મિક સ્થળો આવેલા છે. એ જ રીતે સમગ્ર રાજ્યમાં અનુસૂચિત જાતિ-ST સમાજના પણ અનેક તીર્થસ્થળો આવેલા છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા  SC-STના આ તીર્થ ક્ષેત્રોના વિકાસ માટે છેલ્લા ત્રણ વર્ષમાં રૂ.૭૫ કરોડના ખર્ચે ૪૫ પ્રોજેક્ટ હાથ ધરાયા છે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ રાજ્યના અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના આસ્થાના કેન્દ્રોના વિકાસ માટે હંમેશા સક્રિય છે તેમ, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ શ્રી આર.આર.રાવલે જણાવ્યું હતું.

આ અંગે વધુ વિગતો આપતા બોર્ડના સચિવ શ્રી આર. આર. રાવલે કહ્યું હતું કે, રાજ્યના અનુસૂચિત જાતિના તીર્થ ક્ષેત્રોના વિકાસ માટે છેલ્લા ત્રણ વર્ષમાં અંદાજે રૂ. ૨૦ કરોડના ખર્ચે ૭ પ્રોજેક્ટ તેમજ અનુસૂચિત જન જાતિના તીર્થ ક્ષેત્રોના વિકાસ માટે અંદાજે રૂ. ૫૫ કરોડના ખર્ચે ૩૮ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે.

તેમણે કહ્યું હતું કે, અનુસૂચિત જાતિના તેમજ અનુસૂચિત જાતિના વિસ્તારમાં આવેલા અન્ય તીર્થ સ્થળોએ હાથ ધરાયેલ કામોમાં મુખ્યત્વે (૧) શ્રી જોધલપીર મંદિર, કેસરડી, બાવળા, અમદાવાદ ખાતે રૂ. ૧૦ કરોડના ખર્ચે (૨) શ્રી ત્રિકમ સાહેબની જગ્યા, ચિત્રોડ, રાપર, કચ્છ ખાતે રૂ. ૩.૧૫ કરોડના ખર્ચે (૩) બેચરસ્વામી સદગુરૂ સેવા ટ્રસ્ટ (શ્રી રાવત રામજી મંદિર‌), સિદ્ધપુર, પાટણ ખાતે તબક્કા-૨માં રૂ. ૧.૭૦ કરોડના ખર્ચે (૪) શ્રી બાલક સાહેબની જગ્યા, સમી, પાટણ ખાતે રૂ. ૧.૫૫ કરોડના ખર્ચે તથા (૫) સંત શ્રી ત્રિકમ સાહેબની જગ્યા, મુજપુર, સંખેશ્વર, પાટણ ખાતે રૂ. ૯૩.૫૩ લાખના ખર્ચે વિકાસકામો હાથ ધરવામાં આવ્યા છે.

આ ઉપરાંત અનુસૂચિત જન જાતિના તથા અનુસૂચિત જન જાતિના વિસ્તારમાં આવેલા અન્ય તીર્થ સ્થળોએ હાથ ધરાયેલ કામોમાં મુખ્યત્વે (૧) શ્રી શબરીધામ મંદિર, ડાંગ ખાતે ફેઝ-૧ અને ફેઝ-૨માં રૂ. ૧૦.૭૩ કરોડના ખર્ચે (૨) અનાવલ ત્રિવેણી સંગમ, મહુવા, સુરત ખાતે રૂ. ૧૦ કરોડના ખર્ચે (૩) શ્રી શંખેશ્વર મહાદેવ મંદિર, ગાયપગલા ખાતે રૂ. ૬.૦૦ કરોડના ખર્ચે (૪) ભરૂચ જિલ્લાના મઢી દેવસ્થાન, ઝઘડિયા શ્રી સિધ્ધ ટેકરી રામકુંડ આશ્રમ, અંકલેશ્વર અને શ્રી નિલકંઠેશ્વર મહાદેવ મંદિર, બલબલાકુંડ ખાતે રૂ. ૨.૧૭ કરોડના ખર્ચે (૫) વલસાડ જિલ્લાના પારડી તાલુકાના બગવાડા ખાતે ૧૧ ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂ. ૩.૭૦ કરોડના ખર્ચે તેમજ (૬) શ્રી સ્તંભેશ્વર મહાદેવ મંદિર, કાવી-કંબોઈ, જંબુસર ખાતે રૂ. ૨.૦૦ કરોડના ખર્ચે વિકાસકામો હાથ ધરાયા છે. આમ,પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિ વિસ્તારોમાં હાથ ધરાયેલ ધાર્મિક વિકાસ કામોથી સ્થાનિક પ્રજામાં આનંદની લાગણી જોવા મળી છે, તેમ સચિવ શ્રી રાવલે ઉમેર્યું હતું.

 

error: Content is protected !!