ભાવનગરના મહુવાના પૂર્વ ધારાસભ્ય રહેલા અને એક સમયના જાયન્ટ કિલર નેતા તરીકેની છાપ ધરાવતા કનુ કલસરિયાએ તેમના ભાજપના જોડાવાની અટકળો પર જાતે જ પૂર્ણ વિરામ મુક્યુ છે. હજુ થોડા દિવસો પહેલા જ એક સમયના ભાજપના કદાવર નેતા ગણાતા અને નરેન્દ્ર મોદી પણ જેમને ડૉક્ટર સાહેબ કહીને સંબોધતા હતા તે ડૉ કનુ કલસરિયાએ ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલ સાથે મુલાકાત કરી હતી.
જો કે એ બાદ તેમની ભાજપમાં જોડાવાની ચર્ચાઓએ જોર પકડ્યુ હતુ. જેના પર કનુ કલસરિયાએ જણાવ્યુ હતુ કે તેઓ એક સપ્તાહની અંદર નિર્ણય કરીને જણાવશે. આજે તળાજાના મણાર ગામની સભામાં આ અટકળો પર કનુકલસરિયાએ એવુ કહીને ઠંડુ પાણી રેડી દીધુ છે કે હાલ કોઈપણ પાર્ટીમાં જોડાવાની ઈચ્છા નથી. ભાજપમાં જોડાવા માટે મારુ મન માનતુ નથી. વધુમાં તેમણે જણાવ્યુ કે મારી ખેડૂતોના પ્રશ્નો માટેની લડાઈ ચાલુ રહેશે.
આપને જણાવી દઈએ કે 6 માર્ચે પાટીલે મહુવામાં કનુ કલસરિયાની સદ્દભાવના હોસ્પિટલમાં મુલાકાત કરી હતી. બંધ બારણે થયેલી બેઠકમાં આહિર સમાજના આગેવાનો પણ પહોંચ્યા હતા. લોકસાહિત્યકાર માયાભાઈ આહિર પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. સી.આર. પાટીલે કનુ કલસરિયાના નિવાસસ્થાને ભોજન પણ લીધુ હતુ. આ બેઠક બાદ જોરશોરથી એવી ચર્ચાઓ હતી કે કનુ કલસરિયા ફરી ભાજપમાં જોડાઈ રહ્યા છે. જો કે કનુ કલસરિયાના આજના નિવેદને એ અટકળો પર પૂર્ણ વિરામ મુકી દીધુ છે.