આપણા દેશમાં કાળું નાણું રાખવા વાળા પર ઇડી અને એસીબી ચાંપતી નજર રાખે છે અને જયારે તેમના ઘરે દરોડા પાડવામાં આવે છે, ત્યારે કરોડોની સંપત્તિ પણ જપ્ત થતી હોય છે. જેમાં ઘણા મંત્રીઓ અને સરકારી અધિકારીઓ પણ સામેલ હોય છે. હાલ એવી જ એક રેડમાં એન્ટી કરપશન બ્યુરો (ACB) એ 24 જાન્યુઆરી 2024 ના રોજ, તેલંગાણા સ્ટેટ રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી ના સચિવ અને હૈદરાબાદ મેટ્રોપોલિટન ડેવલપમેન્ટ ઓથોરિટીના ડિરેક્ટર – ભૂતપૂર્વ HMDA ડિરેક્ટર શિવ બાલકૃષ્ણના પરિસરમાં દરોડા પાડ્યા.
એસીબીએ શિવ બાલકૃષ્ણ પાસેથી રૂ. 100 કરોડથી વધુની અપ્રમાણસર સંપત્તિ કથિત રીતે જપ્ત કરી છે. એસીબીની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે બાલકૃષ્ણએ કથિત રીતે અનેક રિયલ એસ્ટેટ કંપનીઓને પરમિટની સુવિધા પૂરી પાડી છે. જેમાં કરોડો રૂપિયાની ગેરકાયદે કમાણી થઈ છે. એસીબીએ બાલકૃષ્ણની ધરપકડ કરી છે. તેમના હોદ્દાનો દુરુપયોગ કરીને અપ્રમાણસર સંપત્તિ ઉભી કરવા બદલ તેમની સામે કેસ નોંધવામાં આવ્યો છે. 25 જાન્યુઆરી 2024 તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. એસીબીની 14 ટીમો દરોડામાં કામે લાગી હતી. 24 જાન્યુઆરીએ આખો દિવસ શોધખોળ ચાલુ રહી. આરોપી અધિકારી બાલકૃષ્ણના ઘર, ઓફિસ અને રહેઠાણ પર એક સાથે દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં 100 કરોડથી વધુની મિલકત રિકવર કરવામાં આવી છે.
દરોડા દરમિયાન અત્યાર સુધીમાં લગભગ 40 લાખ રૂપિયા રોકડા, 2 કિલો સોનું, જંગમ-અચલ સંપત્તિના દસ્તાવેજો, 60 મોંઘી કાંડા ઘડિયાળો, 14 મોબાઈલ ફોન અને 10 લેપટોપ જપ્ત કરવામાં આવ્યા છે. અધિકારીના બેંક લોકર હજુ સુધી ખોલવામાં આવ્યા નથી. એસીબીએ ઓછામાં ઓછી ચાર બેંકોમાં લોકરની ઓળખ કરી છે. એસીબીએ કહ્યું છે કે તેઓ બાલકૃષ્ણ સાથે સંકળાયેલા અધિકારીઓની પણ પૂછપરછ કરશે. એસીબીના અધિકારીઓને બાલકૃષ્ણ પાસેથી વધુ પૈસા અને મિલકત મળવાની આશા છે. તેના ઘરની તલાશી પૂરી થઈ ગઈ છે, પરંતુ હજુ ચાર જગ્યાએ તપાસ ચાલુ છે.