નવીદિલ્હી : લોકસભામાં રાષ્ટ્રપતિના સંબોધન પર આભાર પ્રસ્તાવ પરની ચર્ચા દરમિયાન બોલવા ઊભા થયેલા વિપક્ષના નેતા રાહુલ ગાંધીનું માઈક બંધ થઈ ગયું હતું. નીટ પેપર લીકના મુદ્દે તેમનું માઈક બંધ કરી દેવામાં આવ્યું. કોંગ્રેસ સાંસદ દીપેન્દ્ર હુડ્ડાએ આક્ષેપ લગાવ્યો છે કે, NEET ના પેપર લીક કેસની ચર્ચાની માંગ દરમિયાન, વિપક્ષના નેતા રાહુલ ગાંધીનું માઈક બંધ કરવામાં આવ્યું હતું. વિપક્ષના નેતા માટે માઈક સ્વીચ ઓફ કરવું શરમજનક છે. સરકારને વિદ્યાર્થીઓના ભવિષ્યની ચિંતા નથી.
રાહુલને એક મિનિટ પણ બોલવા દેવામાં આવ્યા ન હતા. દીપેન્દ્ર સિંહ હુડ્ડાએ કહ્યું કે દેશમાં સતત પેપર લીક થવાના કારણે યુવાનોનું ભવિષ્ય બગડ્યું છે. હરિયાણામાં પેપર લીકના કેસ સૌથી વધુ જોવા મળ્યા છે. નીટ પરીક્ષામાં પેપર લીક થયું અને કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન જવાબદારીથી ભાગી રહ્યા છે. તેમણે કહ્યું કે જ્યારે આ મુદ્દો ગૃહમાં ઉઠાવવામાં આવ્યો ત્યારે વિપક્ષના નેતા રાહુલ ગાંધીનુ માઈક બંધ થઈ ગયું હતું. જો વિપક્ષના નેતાનું માઈક બંધ થઈ જશે તો અન્ય સાંસદોમાં રોષ જોવા મળશે. અમે માંગ કરીએ છીએ કે આ મુદ્દા પર ચર્ચા કરવામાં આવે.
આજે સંસદના બંને ગૃહોમાં રાષ્ટ્રપતિના સંબોધન પર આભાર પ્રસ્તાવ પરની ચર્ચા થઈ રહી હતી. લોકસભાની કાર્યવાહી શરૂ થતાં જ NEETના મુદ્દે ગૃહમાં હંગામો થયો હતો. ત્યાર બાદ લોકસભાની કાર્યવાહી, પહેલા બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. આ પછી, જ્યારે કાર્યવાહી ફરીથી શરૂ થઈ, ત્યારે પણ નીટ પેપર લીક કેસ મુદ્દે વિપક્ષે મચાવેલા હોબાળાને પગલે, લોકસભાની કાર્યવાહી આગામી સોમવારના સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. મલ્લિકાર્જુન ખડગેએ રાજ્યસભામાં નીટ પેપર લીકનો મુદ્દો ઉઠાવ્યો હતો. ખડગેએ કહ્યું કે નીટ પર નિયમ 267 હેઠળ ચર્ચા થવી જોઈએ. તેમણે કહ્યું કે એનડીએ સરકાર દરમિયાન 7 વર્ષમાં 70 વખત પેપર લીક થયા હતા. રાજ્યસભામાં વિપક્ષ સતત આની માંગ કરી રહ્યો હતો. આ પછી કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. જ્યારે કાર્યવાહી ફરી શરૂ થઈ ત્યારે વિપક્ષી સાંસદોએ ‘પેપર લીક બંધ કરો’ના નારા લગાવ્યા હતા.