વડોદરા : તાજેતરમાં વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં માં ભાર્ગવ પટેલ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, શેર માર્કેટ અંગેની એડ પર ક્લિક કરતા તેઓનો વોટ્સએપ ગ્રુપમાં જોડવામાં આવ્યા હતા. બાદમાં શેર માર્કેટમાં રોકાણ અંગેની ટીપ્સ આપવામાં આવી હતી. ત્યાર બાદ SS EQUITRADE નામની એપ્લીકેશન ડાઉનલોડ કરાવવામાં આવી હતી. ત્યાર બાદ તેઓનું કેવાયસી કરાવ્યા બાદ IPO લેવા માટે વોટ્સએપમાં મેસેજ આવ્યો હતો. જેથી IPO ખરીદવા તેમણે એપ્લીકેશનમાં પૈસા જમા કરાવ્યા હતા. અને એપ્લીકેશનમાં એલોટમેન્ટ લાગી ગયું હોવાનું તેમ દર્શાવવામાં આવતું હતું.
એપ્લીકેશનમાં તેમણે કુલ રૂ. 18.92 લાખ રૂપિયા ભર્યા હતા. તેની સામે નફારૂપે એપ્લિકેશમાં રૂ. 69.11 લાખ દેખાડતા હતા. જેને ઉપાડવા માટે ટેક્સ લાગશે તેમ જણાવવામાં આવ્યું હતું. તેમણે પાસા વિડ્રો કરીને પરત આપવાનું જણાવતા વિવિધ બહાના આગળ ધરવામાં આવતા હતા. એક સમય બાદ ઠગના મોબાઇલ ફોન સ્વિચ ઓફ થઇ ગયા હતા.
આખરે તેમની જોડે છેતરપીંડિ થઇ હોવાનું ધ્યાને આવતા તેમણે સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેના અનુસંધાને વડોદરા સાયબર ક્રાઇમ પોલીસે દિપસિંહ યોગેશભાઇ રાઠોડ (ઉં. 23) (રહે. કૃષ્ણનગર મેઇન રોડ, રાજકોટ) અને નિલીકકુમાર વિમલભાઇ ગાંધી (ઉં. 22) (રહે. સંતોષનગર મેઇન રોડ. રાજકોટ) ની ધરપકડ કરી હતી. અને બંને આરોપીઓને 1 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. ત્યાર બાદ આરોપીઓને વડોદરાની સેન્ટ્રલ જેલમાં ધકેલી દેવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
આરોપી દિપસિંહ યોગેશભાઇ રાઠોડ બેંક એકાઉન્ટ હોલ્ડર છે. જેમાં ફરિયાદીના રૂ. 15.09 લાખ ટ્રાન્સફર થયા હતા. તે પૈસા તેણે ત્રણ બેંક એકાઉન્ટ ખોલાવીને સહ આરોપીઓને વેચી દીધા હતા. નિલીકકુમાર વિમલભાઇ ગાંધી, તે દિપસિંહનો મિત્ર છે. તે પોતે કેફે ચલાવતો હતો. જ્યાં તેણે દિપસિંહ અને અન્ય સહઆરોપીઓને સંપર્ક થયો હતો. સહઆરોપીઓ માટે બેંક એકાઉન્ટ હોલ્ડર શોધવાનું તેમજ એકાઉન્ટને લગતી બીજી પ્રોસેસ કરવાનું કામ કરતો હતો. જેની અવેજમાં તેને આર્થિક લાભ મળતો હતો.