વરસાદે કહેર વરસાવ્યો : પૂર અને વીજળી પડવાથી 24 કલાકમાં 56 લોકોના મોત

નવીદિલ્હી : ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડમાં વરસાદ, પૂર અને વીજળી પડવાથી 24 કલાકમાં 56 લોકોના મોત થયા છે. તો યૂપીના 12 જિલ્લાના લગભગ 800 ગામડાઓમાં પૂરની સ્થિતિ છે. તો ઉત્તર દિલ્હીની એક કોલોનીમાં વરસાદ વિના પૂર આવી ગયું. જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. ત્યારે દેશના કયા રાજ્યમાં કેવી છે સ્થિતિ? ઉત્તર પ્રદેશની મુખ્ય નદીઓના છે.

ઉપરવાસમાં ભારે વરસાદથી અહીંયા નદીઓએ તોફાની રૂપ ધારણ કર્યુ છે. જેના કારણે ઉત્તર પ્રદેશના અનેક વિસ્તારોમાં પૂરના પાણી ઘૂસી ગયા છે. જેણે તે વિસ્તારના લોકોની મુશ્કેલી વધારી દીધી છે. ઉત્તરાખંડના શારદા ડેમ પાણીથી ભરાઈ ગયો છે. ડેમમાંથી પાણી છોડવામાં આવતાં ડરામણા દ્રશ્યો જોવા મળ્યા. વિવિધ ડેમમાંથી છોડાયેલા પાણીના કારણે શારદા અને દેવહા નદી તોફાની બની છે.

ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં ઉપરવાસમાં ભારે વરસાદથી અહીંયા પણ પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. નદીઓમાં પાણીનો પ્રચંડ પ્રવાહ વહી રહ્યો છે.  ઉપરવાસમાં થયેલા વરસાદે ઉત્તર પ્રદેશની હાલત ખરાબ કરી નાંખી છે. જેના કારણે રાજ્યના 12 જિલ્લાના લગભગ 800 જેટલાં ગામડાઓમાં પૂરના પાણી ફરી વળ્યા છે. ત્યારે આ પૂરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હવાઈ સર્વેક્ષણ કર્યુ. પાણીએ કેવો કહેર મચાવ્યો છે તે હેલિકોપ્ટરથી સ્પષ્ટ જોઈ શકાય છે. દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ છે. પરંતુ રાજધાની દિલ્હીમાં એક જગ્યા એવી છે જ્યાં એક ટીપું વરસાદ પડ્યા વિના પૂર આવી ગયું છે.

ઉત્તર દિલ્હીની જેજે કોલોનીમાં બુધવારની રાત્રે અચાનક એટલું પાણી ભરાઈ ગયું કે રસ્તા નદી અને નહેરમાં ફેરવાઈ ગયા. પાણી એટલું ભરાઈ ગયું કે લોકો ત્યાં હોડી ચલાવતાં જોવા મળ્યા. ઘટનાની જાણ થતાં સ્થાનિક તંત્ર હરકતમાં આવ્યું અને પાણીનો નિકાલ કઈ રીતે કરી શકાય તે દિશામાં પગલાં લેવાનું શરૂ કર્યુ. લોકોના ઘરમાંથી પાણી કાઢવા માટે મશીન મૂકવામાં આવ્યા છે. હજી પણ હવામાન વિભાગે આવતીકાલે 9 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે અનેક રાજ્યોમાં પવન, તોફાન અને વીજળી પડવાની શક્યતા વ્યક્ત કરી છે. એટલે હજુ મેઘકહેર ઓછો થવાનો નથી તે નક્કી છે. એટલે લોકોએ તેનો સામનો કરવાની તૈયારી રાખવી પડશે.

error: Content is protected !!