અમેરિકા : અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રંપની રેલી પર ગોળીબારની ઘટનાથી હડકંપ મચી ગયો છે. ગોળીબારમાં ડોનાલ્ડ ટ્રંપ ઘાયલ થયા હોવાના અહેવાલ છે. હુમલા બાદ ટ્રંપનો ચહેરો લોહી લોહીવાળો થઈ ગયો હતો. ટ્રમ્પ પેન્સિલવેનિયામાં રેલી કરી રહ્યા હતા તે દરમિયાન આ ઘટના બની હતી. રેલીમાં તેમના પર એક બાદ એક ધડાધડ ગોળીઓ ચલાવવામાં આવી હતી. જોકે, હુમલાખોરોમાં સામેલ એકનું મૃત્યુ થયું છે અને એક ગંભીર હાલતમાં છે. અમેરિકન પોલીસ દ્વારા એક શૂટરને ઘટના સ્થળે જ ઠાર કરવામાં આવ્યો છે.
મળતી માહિતી પ્રમાણે, પેન્સિલ્વેનિયાના બટલરમાં એક રેલી દરમિયાન ટ્રંપને ગોળી વાગી છે… જ્યારે તે બટલરમાં સ્ટેજ પર બોલી રહ્યા હતા ત્યારે જોરદાર ધડાકો સંભળાયો. ટ્રંપે તેના જમણા કાન પર હાથ મૂક્યો અને નીચે ઝૂકી ગયા. સિક્રેટ સર્વિસના એજન્ટ ટ્રંપને કવર કરવા માટે તરત જ પહોંચ્યા. જ્યારે એજન્ટોએ ટ્રંપને સંભાળ્યા અને તેમને ઊભા કરવામાં મદદ કરી, ત્યારે ટ્રંપના ચહેરા અને કાન પર લોહી દેખાતું હતું. આ દરમિયાન ટ્રંપે મુઠ્ઠી પકડીને હવામાં લહેરાવી હતી. આ પછી, સિક્રેટ એજન્ટો ટ્રંપને સ્ટેજ પરથી ઉતારી, કારમાં બેસાડી ત્યાંથી લઈ ગયા. સૂત્રોના જણાવ્યા અનુસાર એફબીઆઈ, સિક્રેટ સર્વિસ અને એટીએફ આ કેસની તપાસ કરી રહી છે.
આ ઘટનાને હત્યાના પ્રયાસ તરીકે તપાસવામાં આવી રહી છે.અમેરિકાની સિક્રેટ સર્વિસે કહ્યું છે કે ડોનાલ્ડ ટ્રંપ સુરક્ષિત છે અને તેમની આસપાસ સુરક્ષાના પગલા લેવામાં આવ્યા છે. બટલર કાઉન્ટીના ડિસ્ટ્રિક્ટ એટર્ની રિચાર્ડ એ. ગોલ્ડિંગરે પુષ્ટિ કરી છે કે શૂટર માર્યો ગયો છે. આ સાથે રેલીમાં હાજર એક વ્યક્તિનું પણ મોત થયું છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને આ ઘટના અંગે પ્રેસ બ્રીફિંગ કરી હતી. તેમણે કહ્યું કે અમેરિકામાં આ પ્રકારની હિંસા માટે કોઈ સ્થાન નથી. આપણે એક દેશ તરીકે એક થવું જોઈએ અને તેની નિંદા કરવી જોઈએ. જો કે, અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી નજીક છે ત્યારે રાષ્ટ્રપતિ પદના મુખ્ય ઉમેદવારમાંથી એક ટ્રંપ પર હુમલો થતા માહોલ ગરમાયો છે.





