થોડા દિવસ પહેલા જ મહારાષ્ટ્રના સિંધુદુર્ગમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા ભારે પવનને કારણે ધરાશાયી થવાની ઘટના ઘટી હતી. જેને લઈને ભારે ઉહાપોહ મચ્યો અને અંતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માફી માંગી હતી. આ વિવાદની વચ્ચે નર્મદા ડેમ પાસે બનેલી વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની તસવીર વાયરલ થઈ રહી છે. જેમાં પ્રતિમાના પગ પાસે તિરાડો પડી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જેને લઈને PIBએ પણ ફેક્ટ ચેક કર્યું હતું.
સરદાર પટેલની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીની તસવીરો શેર કરીને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ‘તિરાડો’ દેખાવા લાગી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X અને Facebook પર ઘણા યુઝર્સે ફોટો શેર કર્યો છે. આ યુઝર્સનો દાવો છે કે પ્રતિમા ‘કોઈપણ સમયે પડી શકે છે’. ‘Raga for India’ નામના યુઝરે X પર લખ્યું, “તે ગમે ત્યારે પડી શકે છે. તિરાડો બનવા લાગી. આ પોસ્ટ 7 લાખથી વધુ વ્યૂઝને વટાવી ચૂક્યું છે.
આ સિવાય અનેક માધ્યમોએ પણ આ બાબતે પોસ્ટ કરી હતી. જો કે બાદમાં ભારત સરકારના પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB)ના ફેક્ટ ચેકિંગ યુનિટે પણ વાયરલ થયેલા દાવાને નકારી કાઢ્યો છે. પીઆઈબીએ ટ્વીટ કરીને કહ્યું કે સરદાર પટેલની પ્રતિમામાં તિરાડ હોવાનો દાવો સાચો નથી. તેમણે પોસ્ટ કરીને એ દાવાનું ખંડન કર્યું હતું કે સોશિયલ મીડિયામાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં તિરાડો દેખાવા લાગી છે અને તે ગમે ત્યારે પડી શકે છે.