આગામી સમયમાં પ્રયાગરાજ ખાતે શરૂ થનાર કુંભમેળાને લઈને સારી પરિવહન સેવા પૂરી પાડવા માટે રેલવે વિભાગે કમર કસી છે. રેલવે વિભાગ કુંભ મેળાને લઈને વિશેષ તૈયારીઓ કરી રહ્યું છે અને આ માટે તેમણે 992 જેટલી વિશેષ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે. જો તમે ગુજરાતથી કુંભના મેળામાં જવા ઇચ્છતા હોય તો તમારા માટે પણ એક સારા સમાચાર છે કારણ કે રેલવે દ્વારા શરૂ કરવામાં આવનાર સ્પેશિયલ રેલવે સેવાઓમાં ગુજરાતમાંથી પ્રયાગરાજ મહાકુંભ માટે જાન્યુઆરીમાં 80 સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે.
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આગામી 13મી જાન્યુઆરીથી મહાકુંભ મેળાનો પ્રારંભ થશે. ત્યારે ગુજરાતમાંથી શ્રદ્ધાળુઓની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ 80 સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનો પ્રસ્તાવ રેલવે બોર્ડને મોકલ્યો હતો. જાન્યુઆરીમાં ઉત્તર પ્રદેશ માટેની મોટાભાગની ટ્રેનો અત્યારથી ફૂલ થઈ ગઈ છે. જેના કારણે સ્પેશિયલસ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પશ્ચિમ રેલવેએ 11 કુંભ સ્પેશિયલ ટ્રેનોના સમયપત્રકને ચાલુ મહિનાથી મંજૂરી આપવામાં આવી છે. જ્યારે અન્ય ટ્રેનોને આગામી મહિને મંજૂરી મળશે.
પશ્ચિમ રેલવેના અધિકારીઓએ જણાવ્યું હતું કે મહાકુંભમાં આ વખતે ગુજરાતમાંથી શ્રદ્ધાળુઓની સંખ્યામાં વધારો થશે એવી શક્યતા છે. વિશેષ ટ્રેનો દ્વારા શ્રદ્ધાળુઓને વધુ સુવિધાઓ મળે તેનું ધ્યાન રાખવામામાં આવી રહ્યું છે. પ્રસ્તાવિત વિશેષ ટ્રેનો અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, વાપી, ભાવનગર, વલસાડ, વેરાવળ, સાબરમતી અને રાજકોટથી ડાઇરેક્ટ ટ્રેનો દોડાવવામાં આવશે. આ ટ્રેનો દ્વારા ભક્તો પ્રયાગરાજના વિવિધ સ્નાન ઘાટો સુધી પહોંચી શકશે.
મહાકુંભ માટેની 11 કુંભ સ્પેશિયલ ટ્રેનો:
મહાકુંભ માટેની પ્રસ્તાવિત 80માંથી 11 કુંભ સ્પેશિયલ ટ્રેનોનું શિડ્યુઅલ ઓક્ટોબરમાં તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં 09031/32 ઉધના-બલિયા 9મી જાન્યુ.થી પાંચ ટ્રીપ, 09029/30 વડોદરા-બલિયા, 20મી જાન્યુ.થી પાંચ ટ્રીપ, 09019/20 વલસાડ-દાનાપુર 8મી જાન્યુઆરીથી આઠ ટ્રીપ, 09021/22 વાપી-ગયા 9મી જાન્યુઆરીથી 10 ટ્રીપ, 09021/22 અમદાવાદ-વારાણસી 9મી જાન્યુઆરીથી 15 ટ્રીપ, 09413/04 સાબરમતી-વારાણસી 9મી જાન્યુ.થી આઠ ટ્રીપ, 09537/38 રાજકોટ-વારાણસી 17મી જાન્યુઆરીથી પાંચ ટ્રીપ, 09555/56 ભાવનગર-વારાણસી 18મી જાન્યુઆરીથી પાંચ ટ્રીપ, 09421 /22 સાબરમતી-વારાણસી 19મી જાન્યુઆરીથી છ ટ્રીપ, 09591/92 વેરાવળ-વારાણસી 20મી જાન્યુઆરીથી બે ટ્રીપ કરશે.